સુરત, 13 ઓગસ્ટ (હિ.સ.)- ‘તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાના 28 આદિવાસી બાળકોએ પ્રથમ વખત ચેન્નાઈ ખાતે ઈસરોની મુલાકાત લીધી હતી. ઈસરો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ આજે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ તમામ વિદ્યાર્થીઓને આવકારવા પહોંચ્યા હતા અને સુરત એરપોર્ટના કોન્ફરન્સ હોલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા, તેમના રોચક અનુભવો જાણ્યા હતા. તાપીના તારલાઓએ હરિકોટા સ્થિત, ‘સ્પેસપોર્ટ ઑફ ઈન્ડિયા’ તરીકે વિશ્વપ્રસિદ્ધ સતિષ ધવન સ્પેસ સેન્ટર (ઈસરો)ની મુલાકાત તેમજ જીવનની પ્રથમ આકાશી ઉડાનના અનુભવોને વાગોળ્યા હતા.
આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રોજેક્ટ 'વિજ્ઞાન સેતુ- તાપી કે તારે' અંતર્ગત તાપી જિલ્લાની ૧૫ સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના ૨૮ આદિવાસી બાળકોએ તા.૧૦થી ૧૩ ઓગષ્ટ દરમિયાન ઈસરોના હરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરનો શૈક્ષણિક પ્રવાસ કર્યો હતો. આ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌ પ્રથમવાર વિશેષરૂપે આદિજાતિ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે, વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે આકર્ષણ વધે એ માટે માટે તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી નવીન પહેલ પ્રેરણાદાયી છે. શિક્ષણના સંગમ સમાન આ પ્રોજેક્ટ- શૈક્ષણિક પ્રેરણા પ્રવાસના નવતર પ્રયોગનું રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં અમલીકરણ થાય એ દિશામાં સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવશે. તાપી જિલ્લાની જેમ આદિજાતિ જિલ્લાઓના બાળકો પણ પ્રેરક શૈક્ષણિક પ્રવાસમાં ભાગ લઈ કારકિર્દીનું નવું ભાથું મેળવે એ માટે આદિજાતિ વિભાગ સક્રિયપણે યોગદાન આપશે.
મંત્રીએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, આદિજાતિ બાળકો માટે આ પ્રેરણાપ્રવાસ જીવનભરનું સંભારણું બની રહેશે તેમજ વિજ્ઞાન, ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પગથિયા સમાન બનશે. આ પ્રકારના નવાચાર સમાન પ્રવાસ બાળકોની કલ્પના અને સપનાને નવી ઉડાન આપે છે. ડીંડોરે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ દેશને ‘જય જવાન, જય કિસાન’ નારો આપેલો, સ્વ.અટલબિહારી વાજપેયીએ ‘જય જવાન, જય કિસાન’ની સાથે ‘જય વિજ્ઞાન’ અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘જય અનુસંધાન’ના નારા ઉમેરી વિજ્ઞાન અને અનુસંધાનની મહત્તાને ઉજાગર કરી છે.
તાપી જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, ૨૮ આદિજાતિ વિદ્યાર્થીઓએ ISROના સંશોધન કાર્ય, અવકાશ વિજ્ઞાન અને ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓને નજીકથી જાણી છે. ચોખાના રોટલા ખાનારા વિદ્યાર્થીઓએ ચેન્નાઈમાં ઢોસાનો સ્વાદ ચાખ્યો છે. સરકારી શાળાના વિદ્યાર્થીઓ પ્રતિભા અને તેજસ્વિતાનું પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે આ સમૂહના મહત્તમ વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક બની દેશસેવા કરી એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. ઈસરો મુલાકાત દરમિયાન બાળકોએ ISROના સંશોધન કાર્ય અને અવકાશ વિજ્ઞાન વિશે ઊંડાણપૂર્વક જાણકારી લીધી તેમજ ઉત્સુકતાભેર વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પાસેથી નવા અનુભવો મેળવ્યા હતા.
ઈસરોના હરિકોટા સ્થિત સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરનો પ્રવાસ અમારા માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા પૂરી પાડનાર અનુભવ સાબિત થયો છે એમ તમામ વિદ્યાર્થીઓએ એકસૂરે જણાવ્યું હતું. આ પ્રસંગે તાપીના પ્રાયોજના વહીવટદાર જયંતસિંહ રાઠોડ, સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે