પાટણ, 18 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં ચોમાસા દરમિયાન રોગચાળો ન ફાટી નીકળે તે માટે કોર્પોરેટર ભરત ભાટિયાએ પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરને લેખિત રજૂઆત કરી છે. તેમણે મીરા દરવાજા ટાયાનગર, ભીલવાસ, રામનગર સહિતના 19 વિસ્તારોમાં સફાઈ વ્યવસ્થા સુધારવા તાકીદની માંગ કરી છે.
કોર્પોરેટર ભાટિયાએ જણાવ્યું કે પાલિકા હદમાં આવેલા પછાત અને સ્લમ વિસ્તારોમાં પૂરતી સફાઈ થતી નથી. ચોમાસામાં ગંદકી વધતાં લોકોના આરોગ્ય માટે જોખમ ઊભું થઈ રહ્યું છે.
રજુઆતમાં ગટર સફાઈ, દવાનો છંટકાવ અને મચ્છર નિયંત્રણ માટે ફોગિંગ કરવાની માંગ કરાઈ છે. ભાટિયાએ ચીફ ઓફિસરને સ્થળ તપાસ કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવા જણાવ્યું છે અને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો રોગચાળો ફાટી નીકળશે, જેના માટે જવાબદારી પાલિકાની રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર