-પાણી અને વીજળીની સમસ્યાએ પાક સુકાવાની કગર પર, સૌની યોજનામાંથી પાણી છોડવાની ખેડૂતોની માંગ ઉગ્ર
અમરેલી 14 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં લાંબા સમયથી વરસાદ ન પડવાને કારણે ખેડૂતો ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસાની સીઝનમાં મોટા ઉત્સાહ સાથે મગફળી, કપાસ, સોયાબીન અને ડુંગળી જેવા પાકોનું વાવેતર કરનાર ખેડૂતો હાલ ચિંતા અને નિરાશામાં છે. વરસાદ લાંબા સમયથી ખેંચાઈ જવાથી પાકોને સમયસર પાણી મળી શકતું નથી, જેના પરિણામે પાક સુકાઈ જવાની કગર પર છે.
ખડસલી ગામના ખેડૂત ચેતનભાઈ માલાણી જણાવે છે કે તેમણે 30 વીઘા જમીનમાં મગફળી વાવી છે, પરંતુ વીજળીની અનિયમિત સપ્લાયને કારણે પાકને યોગ્ય સમયે પિયત આપી શકાતું નથી. શરૂઆતમાં વરસાદ શરૂ થયા પછી સારો માહોલ રહ્યો હતો, પરંતુ સૂયા બેસવાના સમયથી વરસાદ ખેંચાઈ જતાં પાક પર ખરાબ અસર પડી છે. પાણીનો અભાવ અને વીજળીની સમસ્યાએ મગફળી અને કપાસના છોડ સુકાઈ જવાના ભયને વધુ ગંભીર બનાવી દીધો છે.
પિયાવા ગામના ખેડૂત ચિરાગભાઈ હિરપરા જણાવે છે કે તેમણે 10 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે. ચોમાસાની શરૂઆત સારી રહી હોવાથી ખેડૂતોમાં આશાવાદ વધ્યો હતો અને મોટા પાયે મગફળી, સોયાબીન, કપાસ અને ડુંગળીના પાક વાવાયા હતા. પરંતુ છેલ્લા 30 થી 40 દિવસમાં વરસાદનું પ્રમાણ અત્યંત ઓછું રહેવાથી હાલ પાક સુકાઈ જવાની કગર પર છે અને ખેડૂતોના જીવ તાળજો ચોટી ગયા છે.
સાવરકુંડલા તાલુકાનો મોટો વિસ્તાર દરિયાકાંઠા નજીક હોવાને કારણે ખારો વિસ્તાર ગણાય છે. અહીંની સિંચાઈ માટે ખેડૂતોને ‘સૌની યોજના’ અંતર્ગત પાણી મળવાની આશા હતી. પરંતુ હાલ સુધી તાલુકાના કોઈ ચેક ડેમમાં સૌની યોજનાનું પાણી પહોંચ્યું નથી. ખેડૂતોનો આગ્રહ છે કે જો સમયસર પાણી છોડવામાં આવે તો પાકને બચાવવા માટે મોટી રાહત મળશે.
ખેડૂતોનું કહેવું છે કે હાલની પરિસ્થિતિમાં તાત્કાલિક પાણીની વ્યવસ્થા શક્ય ન હોય, તો પણ આવનારા વર્ષોને ધ્યાનમાં રાખીને સૌની યોજના મારફતે સાવરકુંડલા તાલુકાના તમામ ચેક ડેમોમાં પાણી ભરવાની યોજના અમલમાં મૂકવી જોઈએ. આવું કરવાથી આગામી સમયમાં ખેતીમાં ઉત્પાદનક્ષમતા વધશે અને હરિયાળી ક્રાંતિ લાવી શકાશે.
હાલની પરિસ્થિતિમાં ખેડૂતોને બે મુખ્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે — વરસાદનો અભાવ અને વીજળીની અનિયમિત સપ્લાય. વરસાદ વિના પાકને પિયત માટે પાણી ઉપલબ્ધ નથી અને વીજળી પણ સમયસર ન મળવાને કારણે મોટર ચલાવીને સિંચાઈ કરવી મુશ્કેલ બની રહી છે. મગફળી, સોયાબીન, કપાસ અને ડુંગળી જેવા પાક પાણીના અભાવે સુકાઈ રહ્યા છે.
ખેડૂતોના મતે, સરકાર અને સંબંધિત વિભાગો તાત્કાલિક હસ્તક્ષેપ કરી સૌની યોજનાનું પાણી ઝડપથી છોડે અને વીજળીની સમસ્યા ઉકેલે તો હાલનો પાક બચાવી શકાય છે. નહિંતર આ વર્ષે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે.
હાલ તો સાવરકુંડલા તાલુકાના ખેડૂતો વરસાદના વાદળોની રાહ જોઈ રહ્યા છે, આશાભરી નજરે આકાશ તરફ જોઈને કુદરત કૃપા કરે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai