મહેસાણા, 14 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા પશુ આરોગ્ય કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમિતિના સભ્યો, જિલ્લા પશુપાલન અધિકારી તથા સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન એજન્ડા મુજબ પશુ આરોગ્ય સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
ખાસ કરીને પશુઆરોગ્ય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા, ગ્રામ્ય સ્તરે પશુચિકિત્સા સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા, રોગપ્રતિકારક રસીકરણ અભિયાનને ગતિ આપવા તથા પશુપાલકોમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા માટે જરૂરી પગલાં અંગે વિચારવિમર્શ થયો. બેઠકમાં પશુચિકિત્સાલયોની સુવિધાઓના વિસ્તરણ, આધુનિક સાધનોની ઉપલબ્ધતા અને તાત્કાલિક સારવાર વ્યવસ્થાને મજબૂત અંગે નિર્ણયો લેવાયા.
જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, પશુધન ગ્રામ્ય અર્થતંત્રનું આધારસ્તંભ છે, તેથી પશુઓના આરોગ્યનું સંરક્ષણ અને કલ્યાણ એ પ્રાથમિકતા છે. બેઠકના અંતે તમામ સભ્યોને પશુઆરોગ્ય સુધારણા કાર્યક્રમોમાં સક્રિય સહભાગી થવા આહ્વાન કરવામાં આવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR