વડોદરા NSS વિભાગ અંતર્ગત પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
વડોદરા, 14 ઓગસ્ટ (હિ.સ.): વડોદરાના મહિલા મહાવિદ્યાલયમાં NSS વિભાગના અંતર્ગત એક અનોખી પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સામાજિક જાગૃતિ, સર્જનાત્મકતા અને પ્રસ્તુતિ કૌશલ્યનો વિકાસ કરવાનો હતો. કાર્યક્રમની
વડોદરા NSS વિભાગ અંતર્ગત પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.


વડોદરા, 14 ઓગસ્ટ (હિ.સ.): વડોદરાના મહિલા મહાવિદ્યાલયમાં NSS વિભાગના અંતર્ગત એક અનોખી પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સામાજિક જાગૃતિ, સર્જનાત્મકતા અને પ્રસ્તુતિ કૌશલ્યનો વિકાસ કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત NSS વિભાગના કોર્ડીનેટર ડૉ. હિરલબેન પટેલના ઉદબોધનથી થઈ, જેમાં તેમણે NSSના માધ્યમથી યુવાનો કેવી રીતે સમાજપ્રત્યે પોતાની જવાબદારી નિભાવી શકે તેના વિષય પર પ્રકાશ પાડ્યો.

આ અવસરે મહાવિદ્યાલયના આચાર્ય ડૉ. પ્રદીપ એસ. જોષી સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક શબ્દોમાં સંબોધિત કરતાં કહ્યું કે આ પ્રકારની સ્પર્ધાઓ માત્ર કલાત્મક પ્રતિભાને જ નહીં, પણ સામાજિક સંદેશ પહોંચાડવાની ક્ષમતા પણ વિકસાવે છે. તેમણે NSSના સૂત્ર Not Me But You નો અર્થ સમજાવતા સ્વયંસેવા ભાવના અને સામાજિક એકતાની મહત્તા પર ભાર મૂક્યો.

પોસ્ટર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અભિયાન, મહિલા સશક્તિકરણ, આરોગ્ય જાગૃતિ, નશામુક્ત સમાજ, અને શિક્ષણના મહત્ત્વ જેવા વિવિધ વિષયો પર પોતાના વિચારો રંગો અને આકૃતિઓ દ્વારા રજૂ કર્યા. રંગોની સરસ જોડણી, રચનાત્મક આલેખન અને અસરકારક સૂત્રો દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાશક્તિ અને સંદેશ આપવાની કળાનું સુંદર પ્રદર્શન કર્યું. આ સ્પર્ધા દરમિયાન નિરિક્ષકો દ્વારા દરેક પોસ્ટરની કલાત્મકતા, વિષયની લગતતા અને સંદેશની સ્પષ્ટતાને આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે ડૉ. હિરલબેન પટેલે તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો અને ભાવિમાં પણ આવા કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી.

આ પ્રસંગે NSSના સ્વયંસેવકો, મહાવિદ્યાલયના શિક્ષકવર્ગ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને ઉત્સાહપૂર્વક પૂર્ણ થયો, જેના દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક જાગૃતિ તથા સર્જનાત્મક અભિવ્યક્તિનો સુંદર સમન્વય જોવા મળ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande