વડોદરા, 15 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા શહેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત બરોડા ડેરી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ડેરીના પ્રમુખ દિનુ મામા અને ડેરીના સભ્યોની ઉપસ્થિતિમાં તિરંગા ફહેરાવી દેશપ્રેમની ભાવના વ્યક્ત કરવામાં આવી. કાર્યક્રમ દરમ્યાન ડેરીના પ્રમુખ દિનુ મામાએ પોતાના વિરોધીઓ પર કડક પ્રહાર કરતાં પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને ખુલ્લી ચેલેન્જ આપી. તેમણે જણાવ્યું કે, “હું ખુલ્લા મંચ પર ચર્ચા કરવા તૈયાર છું, જેથી સત્ય સામે આવી શકે.”
દિનુ મામાએ વધુમાં જણાવ્યું કે, તેમના પર કરવામાં આવેલા આક્ષેપો નિરાધાર અને રાજકીય હેતુસર કરવામાં આવ્યા છે. તેમણે ચેતવણી આપી કે જો આક્ષેપો સાબિત ન થાય તો તેઓ મામલો કોર્ટ સુધી લઈ જશે. આ નિવેદન બાદ ડેરીના રાજકારણમાં ચહલપહલ વધી ગઈ છે. ખાસ કરીને બરોડા ડેરીની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ તીખા નિવેદનો રાજકીય ગરમાવો વધારે તેવી શક્યતા છે.
પૂર્વ પ્રમુખ અજીત ઠાકોર અને તેમના સમર્થકો લાંબા સમયથી દિનુ મામાના કાર્યકાળ પર સવાલ ઉઠાવતા રહ્યા છે. તેમાં ડેરીના વહીવટ, નાણાકીય વ્યવહારો અને સભ્યોના હિતોને લગતા મુદ્દાઓનો સમાવેશ થાય છે. પરંતુ દિનુ મામા મક્કમપણે કહે છે કે તમામ કામગીરી પારદર્શક રીતે થઈ રહી છે અને કોઈ ગેરરીતિ થઈ નથી.
આ સમગ્ર વિવાદના પગલે બરોડા ડેરીના સભ્યો અને ગામડાઓના દુધ ઉત્પાદકોમાં ચર્ચા ગરમાઈ છે. ચૂંટણી નજીક આવતા વિરોધ પક્ષ અને શાસક પક્ષ વચ્ચે આક્ષેપ-પ્રત્યાક્ષેપનો માહોલ વધુ ઘેરો બનવાની સંભાવના છે. સ્વાતંત્ર્ય દિવસના પાવન પ્રસંગે થયેલા આ રાજકીય ટકોરે સ્થાનિક રાજકારણમાં નવી ઉર્જા ફૂંકી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya