પાટણ, 15 ઓગસ્ટ (હિ.સ.)સ્વતંત્રતા પર્વ નિમિત્તે પાટણમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. છેલ્લા ચાર વર્ષથી નિયમિત યોજાતી આ યાત્રા દેશપ્રેમ અને કોમી એકતાનું પ્રતીક છે. યાત્રા પ્રારંભ પહેલા મોલાના મોહમ્મદે દુવા પઢાવી અને મહાનુભાવો તથા કોર્પોરેટરોનું બુકે અને ફૂલહારથી સ્વાગત થયું.
શુક્રવારે બપોરે ગંજ શહીદપીર હુસેની ચોકથી શરૂ થયેલી યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ. ઈકબાલ ચોક, લોટેશ્વર ચોક, લીમડી ચોક, ફતેહસિંહરાવ લાયબ્રેરી માર્ગ, રતનપોળ, ત્રણ દરવાજા સહિતના વિસ્તારોમાંથી થઈને ફરી ગંજ શહીદપીર હુસેની ચોક ખાતે સમાપન થયું.
યાત્રામાં મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને બાળકો તિરંગો લઈને જોડાયા. માર્ગમાં દેશભક્તિના ગીતો વાગતા રહ્યા. આયોજકો અને કોર્પોરેટરોએ જણાવ્યું કે આ યાત્રા લોકોમાં દેશપ્રેમની ભાવના જગાડે છે અને સામાજિક એકતાને મજબૂત કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર