મહેસાણા, 16 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા તાલુકાના મોદીપુર ગામે આવેલ પ્રાચીન તથા લોકઆસ્થા ધરાવતા શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિર તથા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે આજ રોજ વિશેષ દર્શનનો કાર્યક્રમ યોજાયો. આ પવિત્ર પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી પ્રદેશની સમૃદ્ધિ, સુખ-શાંતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના અર્પી.
આ અવસરે ગામજનો અને ભક્તોએ વિધાનસભા અધ્યક્ષશ્રીનું આત્મીય સ્વાગત કર્યું. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. પૂજા પ્રસંગે ઉપસ્થિત સંતો-મહંતો તથા ગ્રામજનોને સંબોધતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે મંદિરો માત્ર ધાર્મિક કેન્દ્ર જ નહીં પરંતુ સમાજજીવનમાં એકતા, સંસ્કાર અને સંસ્કૃતિના પ્રેરણાસ્ત્રોત છે.
મોદીપુર ગામના આ પાવન મંદિરોની વિશિષ્ટ આસ્થા હોવાને કારણે આસપાસના વિસ્તારોમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું અને સૌએ પરસ્પર શુભેચ્છાઓ વહેંચી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR