ગીર સોમનાથ, 16 ઓગસ્ટ (હિ.સ.) દેશભરમાં ૭૯માં સ્વતંત્રતા પર્વની થઈ રહેલી ઉજવણી સાથે ગીર સોમનાથ જિલ્લામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં ગીર ગઢડા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
મંત્રીશ્રીએ સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, અત્યારે પવિત્ર શ્રાવણમાસ ચાલી રહ્યો છે. તેની સાથે દેશના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો સુભગ સમન્વય સધાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ સ્થિત છે, જ્યાં હરિ અને હરનું મિલન થાય છે. ગાંડી ગીર, કેસર કેરી અને કેસરી સિંહનું સાયુજ્ય જ્યાં સધાય છે, તેવા ગીર સોમનાથ જિલ્લાએ હંમેશા વિકાસની દોડમાં અગ્રેસર બનીને કાર્ય કર્યું છે.
ભારતની આઝાદીની લડતમાં પ્રાણની આહૂતિ આપનાર લડવૈયાઓ સાથે મહાત્મા ગાંધી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકર, સરદારસિંહ રાણાના પ્રદાનને યાદ કરીને મંત્રીશ્રીએ તેમનું ભાવસ્મરણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન પર સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ સાથે ‘હર ઘર સ્વચ્છતા’ પણ યોજાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તો, આ વર્ષે ભારતીય બંધારણના ૭૫ વર્ષની ઉજવણી, ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જન્મજયંતિ અને અટલ બિહારી વાજપેઈની ૧૦૦મી જન્મજયંતિ રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે ઉજવી રહ્યાં છીએ.
મંત્રીએ મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની આગેવાનીમાં આઝાદીની લડતનું સ્મરણ કરી દાયકાઓ પછી હવે ગુજરાતની ધરતીના ગૌરવ સંતાન એવા વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુશાસનનો આગવો પંથ ગુજરાતે કંડાર્યો છે, તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સેવા, સુશાસનનો મંત્ર ધ્યાનમાં રાખી નાગરિકો માટે સમાન તકો ઉભી થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગરીબો,વંચિતો, પીડિતો અને શોષિતો અને છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે તે માટે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યની પ્રગતિશીલ સરકારે દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ સાથે પરિણામલક્ષીતા દાખવી છે. પ્રગતિશીલતા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈની ઓળખ આજે વિશ્વનેતા તરીકે પ્રસ્થાપિત થઈ છે. આંતરરાષ્ટ્રીય બાબતો પર તેમની વાતો ગંભીરતાથી સાંભળવામાં આવે છે. વડાપ્રધાનની નીતિ દેશ માટે કોઈપણ પ્રકારનું સમાધાન નહી કરવાની રહી છે. યુક્રેન-રશિયા યુદ્ધ, ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધમાં તટસ્થ રહીને ભારત યુદ્ધનો નહી પરંતુ બુદ્ધનો દેશ બન્યો છે. ભારત શાંતિનો દેશ બની વસુધૈવ કુટુંબકમની વિભાવના સાકાર કરી છે. ભારતે મજબૂત માળખાકીય સુવિધાઓના નિર્માણ સાથે પોતાની તાકાતના વિશ્વને દર્શન કરાવ્યા છે. ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પડોશી દેશ પકિસ્તાનને ‘મા ભારતી’ પર વાર કરવાનું શું પરિણામ આવે, તેને પોતાની લશ્કરી તાકાતના દમ પર દેખાડી દીધું છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય જળસંચય, જળ વિતરણની સુદ્રઢ પ્રણાલી ઉભી કરીને રાજ્યના છેવાડાના ગામ સુધી પીવાનું અને સિંચાઈનું પાણી પહોંચાડ્યું છે. સુજલામ-સુફલામ યોજના દ્વારા જળસંચય ક્ષેત્રે ગુજરાતમાં ઉત્કૃષ્ટ કામગીરી થઈ છે. ગીર સોમનાથ જિલ્લાએ જળસંચય ક્ષેત્રે બીજો ક્રમ હાંસલ કર્યો છે. જળાશયના તળ ઉંચા લાવવા, જળસંચય અને ‘કેચ ધ રેઈન’ જેવા અભિયાનના પરિણામે વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્સમાં ગુજરાતે પ્રથમ ક્રમ મેળવ્યો છે.
સેવાસેતુના માધ્યમથી લોકોના પ્રશ્નનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યુ છે. આજે શહેર અને ગામડાઓના સમતોલ વિકાસની પરિભાષા અંકિત થઈ છે. ખેડૂતો, મહિલાઓ વનબંધુઓ, યુવાનો તમામ લોકોને મુખ્યધારામાં લાવવાના સમુચિત પ્રયાસો થઈ રહ્યાં છે. ગુજરાત આજે વિકાસનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે. છેલ્લા બે દાયકામાં શાંતિ અને સલામતીના ધોરણો પ્રસ્થાપિત કર્યા છે. જેનાથી આકર્ષિત થઈને વિશ્વના ઉદ્યોગ સાહસિકો રોકાણ કરવા ઉત્સુક બન્યાં છે.
વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસમંત્ર સાથે દેશના વિકાસની ગતિ વેગવાન બની છે. ગુજરાત આજે સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ રોલમોડેલ બન્યું છે. વેપાર ઉદ્યોગ માટેની સાનુકૂળ નીતિ અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન થકી યુવાનો આગળ વધી રહ્યાં છે. આ વર્ષના બજેટમાં નારીશક્તિનું સન્માન કરતાં વધારો કરી સુપોષિત માતા, સ્વસ્થ બાળક યોજનાનો અમલ કરીને મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત સારથીની ભૂમિકામાં રહેશે. વાઈબ્રન્ટ સમિટે રાજ્યમાં ઉદ્યોગના સમીકરણો બદલ્યાં છે. વિકસિત ગુજરાત માટે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના બજેટમાં વિશેષ ભાર આપી જોગવાઈ કરવામાં આવી છે. જેનાથી ગરીબ વંચિત અને છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડી શકાશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સમયસર પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહે તે માટે નર્મદાનું વધારાનું પાણી આપવાનો તાજેતરમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. પાણી સંગ્રહ માટે વધારાના ચેકડેમો, દરિયાકાંઠે વિયર અને મજબૂતીકરણના કામો પ્રગતિમાં છે.
આગામી દિવસોમાં દરિયામાં વહી જતું પાણી અટકાવી તેનો સંગ્રહ કરી શકાય તે માટે રેડિયલ કેનાલ, પિકઅપ વિયર અને નાના-મોટા ૧૧૬૯ ચેકડેમ બનાવવા માટેનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે.
ગીર સોમનાથ જિલ્લામાં ઝૂંડવંડલી વિયર બનાવવાનું કામ પ્રગતિમાં છે. આ કામ પૂર્ણ થવાથી ઝૂંડવડલી, ઈંટવાયા સહિતના ગામોની કુલ ૨૨૦૦ હેક્ટર જમીનમાં પીયતનું પાણી ઉપલબ્ધ થશે. કુલ રૂ.૨૦ કરોડના ખર્ચે મચ્છુન્દ્રી ડેમ, હિરણ-૧ અને હિરણ-૨ બંધ સલામતી અને કેનાલ મરામતના કામો આયોજન હેઠળ છે.
આ ઉપરાંત, સુજલામ-સુફલામ યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ૧૮૦ કામ પૂર્ણ થયા છે. ૧૭ નવા ચેકડેમોના કામની મંજૂરી આપવામાં આવી છે. દરિયાઈ ધોવાણને આગળ વધતું અટકાવવા સૈયદ સંરક્ષણ દિવાલ, સુત્રાપાડા બંદર માટે દરિયાઈ ધોવાણ ન થાય તે માટે પૂરસંરક્ષણ દિવાલ અને દરિયાકિનારાના ગામોના વિસ્તારમાં પૂરસંરક્ષણ દિવાલો બનાવવાનું આયોજન છે. આ સાથે સોમનાથ સરોવર અને ભાલકા તળાવને જોડવાની, હિરણ નદીને ઉંડી કરવાની કામગીરી કરવામાં આવનાર છે.
તહેવારોને અનુલક્ષીને અંત્યોદય અને બી.પી.એલ. પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, રાજ્યમાં ૭૫ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના ૩.૧૮ કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાયું છે.
મંત્રીએ પીએમ કિસાન યોજના, આયુષ્માન કાર્ડ, વય વંદના યોજના, કૃષિ, સિંચાઈ, ખેતીવાડી, બાગાયત, બંદર વિકાસ સહિતના વિભાગો થકી જિલ્લાના નાગરિકોને મળેલા લાભની વાત કરી હતી.
ગીર સોમનાથ જિલ્લાને પ્રગતિના નવા સોપાન પર લઈ જવા જનભાગીદારી સાથે આગળ વધવાનું પ્રણ લઈ રાષ્ટ્રનિર્માણમાં ભાગીદાર બનવાનું મંત્રીએ આહવાન આ તકે કર્યું હતું.
જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે મંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય અને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું. જિલ્લાના વિકાસ માટે મંત્રીશ્રીએ રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો.
આ અવસરે મંત્રીના હસ્તે દિવના મુક્તિસંગ્રામ માટે કાર્ય કરનાર સ્વાતંત્ર્ય સેનાની પ્રતાપરાય પાઠકનું શાલ ઓઢાડી સન્માન જાહેર સન્માન કર્યું હતું. મંત્રી અને મહાનુભાવોના હસ્તે જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ-કર્મચારીઓ અને વ્યક્તિ વિશેષનું સન્માન કર્યું હતું. કાર્યક્રમના અંતે ગ્રીન ગુજરાતની વિભાવનાને સાકાર કરતા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પોલીસ પ્લાટૂન, મહિલા પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ પ્લાટૂન, એન.સી.સી પ્લાટૂન, બેન્ડ પ્લાટૂને દેશભક્તિસભર સુરાવલીઓ સાથે પરેડ યોજી હતી. આ સમગ્ર પરેડનું નેતૃત્વ પરેડ કમાન્ડર પી.આઈ શ્રી ડી.આર.વંશે કર્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત વરસિંગપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ‘કમળ, શિવમુદ્રા, ચક્ર, શંખ, યોગા વગેરે ટ્રાન્સફોર્મેશન બનાવવામાં આવ્યાં હતાં.‘’દ્રોણેશ્વર ગુરૂકુળ દ્વારા બેન્ડ નિદર્શન, ગીરગઢડા કુમાર શાળા દ્વારા ગીરના ગ્રામ્યવિસ્તાર અને તેની સંસ્કૃતિ દર્શાવતા વિહંગાવલોકન મિશ્ર રાસ રજૂ કરાયો હતો. ખાપટ મોડેલ સ્કુલ દ્વારા દેશભક્તિસભર ફયૂઝન રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ગાંધી કન્યા હાઇસ્કૂલ ઉના તેમજ દ્રોણેશ્વર ગુરુકુળ દ્વારા તલવાર રાસ અને ગીરગઢડા સરસ્વતી કોલેજ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ તેમજ ફરેડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર સૈનિકોની સાહસ, વીરતા અને શૌર્યસભર ગાથા રજૂ કરવામાં આવી હતી.
સ્વતંત્રતા સમારોહની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય સર્વ કાળુભાઈ રાઠોડ, ડૉ.પ્રદ્યુમનભાઈ વાજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નાયબ વન સંરક્ષક ઉષ્માબહેન નાણાવટી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકી, ડૉ.સંજય પરમાર સહિત ગણમાન્ય નાગરિકો અને ગીરગઢડાના નગરજનો સહભાગી થયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ