પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.)સરકારી ઇજનેરી કોલેજ પાટણના એન.એસ.એસ. યુનિટ દ્વારા 79મો સ્વતંત્રતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો. સવારે 9 વાગ્યે ડૉ. ડી.કે. પટેલના હસ્તે ધ્વજવંદનથી કાર્યક્રમની શરૂઆત થઈ, જેમાં પ્રોફેસર્સ અને સિક્યુરિટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. ડૉ. પટેલે વિદ્યાર્થીઓને સ્વતંત્રતા દિવસનું મહત્વ સમજાવ્યું અને શુભેચ્છાઓ પાઠવી. એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરે સ્વયંસેવકોને 'સેલ્ફી વિથ તિરંગા' સરકારી યોજના વિશે માહિતી આપી અને બાદમાં સ્વયંસેવકો તથા સિક્યુરિટી કર્મચારીઓએ પરેડ યોજી.
સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત, નૃત્ય અને નાટક રજૂ કર્યા, જ્યારે કતપુરની પ્રાથમિક શાળાના બાળકો પણ જોડાયા. એન.એસ.એસ. યુનિટ દ્વારા 'હર ઘર તિરંગા' થીમ પર રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રિન્સિપાલ ડૉ. બી.જે. શાહ સહિત પ્રોફેસર્સે ભાગ લીધો.
રેલી દરમિયાન કતપુર ગામમાં જઈને લોકોને તિરંગાનું મહત્વ સમજાવવામાં આવ્યું અને ભારત માતાના જયઘોષ કરાયા. આચાર્યશ્રી અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સ્વતંત્રતા દિવસની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર