-તિરંગો વાવો, તુલસીનો છોડ મેળવો
જૂનાગઢ 16 ઓગસ્ટ (હિ.સ.) આપણા તિરંગાને ક્યાંય પણ લહેરાતો જોઈએ તો તરત જ આપણું માથું સમ્માનથી ઊંચું થઇ જતું હોય છે. તિરંગો હંમેશા લહેરાતો હોય તેવો જોવો જ આપણને પસંદ આવે છે. દર વર્ષે 15મી ઓગસ્ટ કે અન્ય કોઈ રાષ્ટ્રીય તહેવારના દિવસે દરેક લોકો ના હાથમાં તિરંગો જોવા મળી રહેતો હોય છે. પરંતુ આ તહેવારની ઉજવણી બાદ આ તિરંગો તેનો સમ્માન ખોઈને આપણામાંથી જ કોઈને હાથે તે કચરાપેટી કે રોડ પર પડેલો જોવા મળતો હોય છે. આ જોઈને સૌને ખૂબ દુઃખ થતું હોય છે. તિરંગાનું માન-સમ્માન જળવાય તે આપણી જવાબદારી જ નહિ પરંતુ તે ફરજ પણ છે. આથી આઝાદી દિવસનાં પર્વ નિમિત્તે આ વર્ષે સવાણી હેરીટેજ કન્ઝર્વેશન પ્રા. લી. દ્વારા એક અલગ પ્રકારે ઉજવણી કરવામાં આવી. જુનાગઢમાં આવેલ ઉપરકોટ કિલ્લા, મહાબત મકબરા, એન્ટીક કોઈન મ્યુઝિયમ, મજેવડી ગેટ અને સરદાર ગેટ ગેલેરી ખાતે તારીખ 15 ઓગસ્ટ ના રોજ આવેલ પ્રવાસીયો ને એક ખાસ કાગળ થી બનાવેલ તિરંગાની ભેંટ અપાઈ. 15મી ઓગસ્ટ ની ઉજવણી કર્યા બાદ આ તિરંગાને આપણા ઘરનાં કુંડા કે બગીચામાં સમ્માનપૂર્વક રોપી શકાય તે મુજબનો બનાવવામાં આવેલ છે, જેને માટીમાં વાવ્યાં બાદ તેમાંથી તુલસીનો છોડ ઉગે તેવા બીજ તેમાં રાખવામાં આવેલ છે.
આના અભિપ્રાય રૂપે પ્રવાસીયો નો પ્રતિસાધ અનેરો જોવા મળ્યો. ઘણા પ્રવાસીયો ને પોતાની ભૂલ સમજાઈ અને દરેક પ્રવાસીએ આ તિરંગો મેળવી ને આનંદ નો અનુભવ કર્યો. લગભગ દરેક પ્રવાસીએ કહ્યું કે, તેઓ આ તિરંગા નો જતન કરશે અને ઘરે જઈને તેને કુંડ માં વાવશે. કંપની ના જનરલ મેનેજર રાજેશ તોતલાણીએ જણાવ્યું કે, આમારો પ્રયાસ સફળ રહ્યો અને આનાથી વધુ સંતોષ શાનો હોઈ શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ