મહેસાણા, 16 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા ખાતે ૭૯મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે રાજધાની ફાઉન્ડેશન દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાયો. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી માન. રજનીભાઈ પટેલજીની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તથા શહેર-જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા. લોક કલાનાં ગાયકો દ્વારા દેશભક્તિની સાથે સંસ્કૃતિને ઉજાગર કરતાં ગીતો રજૂ થતાં સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા સ્વતંત્રતા સેનાનીઓના ત્યાગ અને બલિદાનને યાદ કરી નવી પેઢીને રાષ્ટ્રસેવા માટે પ્રેરિત થવા અનુરોધ કરવામાં આવ્યો.
રાજધાની ફાઉન્ડેશનના આયોજકો દ્વારા જણાવાયું કે, આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં રાષ્ટ્રીય એકતા, ભાઈચારો અને લોકકલાનો વિકાસ થાય છે. લોક ડાયરા દરમ્યાન શ્રોતાઓની ભારે ભીડ ઉમટી પડી હતી. અંતમાં સૌએ તિરંગા ધ્વજને પ્રણામ કરી ભારત માતાની જયઘોષ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR