પાટણ, 17 ઓગસ્ટ (હિ.સ.)શંખેશ્વર તીર્થના શ્રી રાજેન્દ્રસૂરિ નવકાર મંદિરમાં, જૈનાચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના સમુદાયના આચાર્ય, પુણ્ય સમ્રાટ ગુરુદેવ શ્રીમદ્ વિજય જયન્તસેનસૂરીશ્વરજી મહારાજની 100મી માસિક પુણ્યતિથિ નિમિત્તે, પુણ્ય સપ્તમી મહોત્સવનું આયોજન થયું. કાર્યક્રમની શરૂઆત જૈનાચાર્ય શ્રીની પ્રતિમા સમક્ષ ગુરુ સ્મરણ પાઠથી કરવામાં આવી હતી.
મહોત્સવમાં ધાર્મિક, આધ્યાત્મિક, જનસેવા અને જીવદયાના વિવિધ કાર્યક્રમો યોજાયા. 108 ભક્તિ વિહારમાં આયોજિત સભામાં શ્રી મહાનંદસૂરિ મહારાજ, શ્રી પુર્ણચંદ્રસૂરિ મહારાજ, શ્રી દિવ્યેશચંદ્રસૂરિ મહારાજ સહિત અનેક મુનિરાજો તથા સાધ્વી શ્રી હંસકિર્તીશ્રીજી મહારાજ અને સાધ્વી શ્રી વિશ્વપુર્ણાશ્રીજી મહારાજ સહિત સાધ્વીજીઓ ઉપસ્થિત રહ્યા.
ગુણાનુવાદ સભામાં ગુરુભગવંતોએ આચાર્ય જયન્તસેનસૂરિ મહારાજના જીવન પ્રસંગોનું વર્ણન કર્યું. બપોરે ગુરુપદ પૂજન અને પ્રતિમાની આકર્ષક અંગરચના બાદ સાંજે ભવ્ય આરતીનું આયોજન થયું. સમગ્ર કાર્યક્રમનો લાભ થરાદ નિવાસી ખેમચંદભાઈ લલ્લુભાઈ સંઘવી (રાજકોટ-મુંબઈ)એ લીધો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ રાજેન્દ્રસૂરિ નવકાર મંદિરમાં બિરાજમાન પ્રતિમાના દર્શન કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર