વડોદરા, 17 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા હાથ લાગી છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં લિપ્ત રહેલો અને અગાઉ આજીવન કેદની સજા ભોગવી ચૂકેલો રીઢો આરોપી ફરીથી સ્નેચીંગની ઘટનામાં ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો અનુસાર વૃશાંત ઉર્ફે શ્યામ ધનેશા નામનો આરોપી અનેક ગુનાહિત કિસ્સાઓમાં સામેલ રહ્યો છે. તેના પર અગાઉ ખૂન સહિતના 12થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેના કારણે તે પોલીસ માટે લાંબા સમયથી માથાનો દુખાવો બન્યો હતો.
તાજેતરમાં વડોદરા શહેરમાં બનેલી સ્નેચીંગની એક ઘટનાની તપાસ દરમિયાન પોલીસે વૃશાંત ધનેશાને શંકાના આધારે ઝડપી પાડ્યો હતો. તેની તલાશી દરમ્યાન પોલીસે તેના પાસેથી બે સોનાની ચેઇન મળી આવી હતી. આ ઉપરાંત કુલ ₹2.31 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ફરીથી સક્રિય થઈ શહેરમાં સ્નેચીંગની ઘટનાઓને અંજામ આપી રહ્યો હતો.
વૃશાંત ધનેશા જેવા ગુનેગારો સામે કડક પગલાં લેવાં અત્યંત જરૂરી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે, કેમ કે આવા આરોપીઓ વારંવાર જેલમાંથી છૂટીને ફરી ગુનાઓ કરતા હોય છે. ક્રાઇમ બ્રાન્ચે આ સફળતા બાદ આરોપીને રાજકોટ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે, કારણ કે તેના વિરુદ્ધ રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાં પણ ગુનાઓ નોંધાયેલા છે.
આ ઘટનાએ ફરી એક વાર સ્પષ્ટ કર્યું છે કે વડોદરા પોલીસ ગુનાખોરી સામે સજાગ છે અને શહેરમાં વધતી સ્નેચીંગ તથા લૂંટની ઘટનાઓ પર અસરકારક નિયંત્રણ માટે સતત કામગીરી કરી રહી છે. વડોદરા શહેરના નાગરિકો માટે આ કાર્યવાહી આશ્વાસનરૂપ છે, કારણ કે ગુનાખોરીને લગતા આવા કડક પગલાંથી સમાજમાં સુરક્ષાની લાગણી વધશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya