પાટનગર ગાંધીનગરના 61માં સ્થાપના દિવસે ગાંધીનગરના વિકાસ વિઝન ડોક્યુમેન્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ
ગાંધીનગર, 2 ઓગસ્ટ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫માં રાજ્યના મહાનગરો અને નગરોને પોતાના આગવા વિકાસ વિઝન સાથેના રોડ મેપ તૈયાર કરીને તેના અમલ માટેના ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ માટે પ્રેરક આહ્વાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે ક
गांधीनगर स्थापना दिवस समारोह


गांधीनगर स्थापना दिवस समारोह


गांधीनगर स्थापना दिवस समारोह


गांधीनगर स्थापना दिवस


ગાંધીનગર, 2 ઓગસ્ટ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫માં રાજ્યના મહાનગરો અને નગરોને પોતાના આગવા વિકાસ વિઝન સાથેના રોડ મેપ તૈયાર કરીને તેના અમલ માટેના ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ માટે પ્રેરક આહ્વાન કર્યું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આવા વિકાસ વિઝનની શ્રેષ્ઠતાની સ્પર્ધાઓ થાય અને ગુજરાતના શહેરો શહેરી વિકાસમાં દેશનું દિશા દર્શન કરનારા બને એવી આપણી નેમ છે.

મુખ્યમંત્રી રાજ્યના પાટનગર ગાંધીનગરના ૬૧ માં સ્થાપના દિવસ અવસરે ગાંધીનગર મહાનગર પાલિકાના વિકાસ વિઝનના લોન્ચિંગ અવસરે અધ્યક્ષીય સંબોધન કરી રહ્યા હતા.

મુખ્યમંત્રીએ ગાંધીનગરને સ્વછતા સર્વેક્ષણમાં તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે સન્માન અપાવવાના પાયામાં રહેલા સ્વછતા દુતોનું સન્માન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે, ગાંધીનગરે ગ્રીન સિટી સાથે હવે ક્લીન સિટી નું બિરૂદ મેળવ્યું છે તે જાળવી રાખવાની સૌની સહિયારી જવાબદારી બની રહે છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૦૫ માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરીને શહેરી વિકાસ ની આખી પરિભાષા બદલી નાખીને હોલીસ્ટિક સિટી ડેવલપમેન્ટનો નવતર અભિગમ આપ્યો છે.

એટલું જ નહિ, નળ ગટર અને રસ્તાની સુવિધાથી આગળ વધીને નાગરિક લક્ષી સેવાઓ ટેકનોલોજીના ઉપયોગથી વિસ્તારવાની દિશા આપી છે. શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ ની આ ઉજવણીની સફળતાથી રાજ્યના શહેરો પ્રાણવાન અને ઉર્જાવાન બન્યા છે તથા અર્બન ડેવલપમેન્ટ નો નવો નકશો કંડારાયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ભુપેન્દ્ર પટેલે કહ્યું કે શહેરી વિકાસની બે દાયકાની સિદ્ધિઓ અને સફળતાને પગલે આપણે હવે વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટની નેમ સાથે શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ ઉજવી રહ્યા છીએ. આ હેતુસર રાજ્યના અર્બન ડેવલપમેન્ટ બજેટમાં આ વર્ષે ૪૦ ટકાનો વધારો કરીને ૩૦ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત ૨૦૪૭નો જે સંકલ્પ કર્યો છે તેને રાજ્યના શહેરો સ્માર્ટ અને સસ્ટનેબલ સિટી ડેવલપમેન્ટથી સાકાર કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

તેમણે દેશના વિકાસના આ અમૃત કાળમાં ‘કેચ ધ રેઇન’ માટે મોટા પાયે વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર અને અર્બન ફોરેસ્ટ વધારીને તેમજ ‘એક પેડ માં કે નામ’ દ્વારા ગ્રીન કવર વધારવાની અપિલ કરી હતી. પર્યાવરણ જાળવણી સાથેના વિકાસ માટે હિમાયત કરતાં મુખ્યમંત્રીશ્રીએ સોલાર રુફ્ટોપ અને વધુ ને વધુ ઇ-મોબિલીટી અપનાવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં તેમજ ગાંધીનગરના સાંસદ-કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં ગાંધીનગરનો અવિરત વિકાસ થઈ રહ્યો છે.

ગાંધીનગરની વિકાસ યાત્રા વિશે તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પરિણામે વર્ષ ૨૦૧૦માં જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની રચના થઈ ત્યારે માત્ર રૂ. ૭.૪૭ કરોડનું બજેટ હતું, જે હાલમાં વર્ષ ૨૦૨૫-૨૬માં અંદાજે રૂ. ૧,૭૧૮ કરોડ કરતાં વધુનું થયું છે ત્યારે સૌ સાથે મળીને ગાંધીનગરને ‘ઉત્તમથી સર્વોત્તમ’ સુધી લઈ જવાનું મેયરશ્રીએ આહ્વાન પણ કર્યું હતું.

ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રિટાબેન પટેલે શહેરના ૬૧માં સ્થાપના દિવસે સૌને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, રાજ્ય સરકારની પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિના પરિણામે નવીન શહેર અને રાજધાની તરીકે વિકસાવવામાં આવેલ ગાંધીનગરે આજે ૬૦ વર્ષ બાદ પોતાનો અલગ એક ઈતિહાસ રચ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ગાંધીનગરે આજે ગ્રીન સિટીમાંથી ગ્લોબલ સિટી તરીકે ઓળખ ઊભી કરી છે. ગાંધીનગરના વિકાસમાં યોગદાન આપનાર સૌ નગરજનો આજે ૬૧માં સ્થાપના દિવસે અભિનંદન પાત્ર છે તેમ, ધારાસભ્ય રીટાબહેને ઉમેર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં 'એક પેડ માં કે નામ ૨.૦’ અંતર્ગત ટાઉનહોલ ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર શહેરના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, પક્ષના નેતા અનીલભાઈ, દંડક સેજલબેન પરમાર, મહાનગરપાલિકાના કમિશનર જિતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા કલેકટર મેહુલ દવે, શહેર ભાજપ પ્રમુખ આશિષભાઈ દવે, પ્રભારી નૌકાબેન પ્રજાપતિ, પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર, મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ, શહેર અગ્રણીઓ, જયોતિ મહિલા મંડળ તેમજ ગાંધીનગર શહેર વસાહત જેવી સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande