સુરત, 2 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલ કારગીલ ચોક નજીક એસવીએનઆઈટી સર્કલ પાસેથી એક બુટલેગર કાર લઈને પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. દારૂનો જથ્થો કોઈ વ્યક્તિને હાથમાં ન આવે અને પોલીસને કે પોલીસની કોઈ પણ એજન્સીને તેના બદઇરાદાની જાણ ન થાય તે માટે તેણે ફોર વહીલનો ઓરીજનલ નંબર પ્લેટ કાઢી નાખી ડુબલીકેટ નંબર પ્લેટ લગાવી હતી. જોકે ગતરોજ પોલીસે આ કારને ઝડપી પાડી હતી અને પોલીસે બુટલેગરની ધરપકડ કરી તેમની પાસેથી કાર જપ્ત કરી તેમની વિરુદ્ધમાં બનાવટી દસ્તાવેજનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ કેનાલ રોડ પર વૈષ્ણોદેવી સ્કાય એપાર્ટમેન્ટમાં રહેતા રાજેન્દ્રકુમાર ધીરજલાલ વાઢેર એ ગતરોજ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેઓના મિત્રની જીજે.05.આરએ.4352 નંબરની કાર તેમની પાસે હતી અને આ દરમિયાન અવારનવાર તેમને સુરત શહેર પોલીસના ઓવર સ્પીડમાં ચલાવવાના તથા અલગ અલગ ટ્રાફિકના મેમો ઘરે આવતા હતા. જેથી આખરે રાજેન્દ્ર કુમારે આ મામલે ટ્રાફિક પોલીસમાં ફરિયાદ કરી હતી અને તેમના કારની નંબર પ્લેટ કોઈ વ્યક્તિ વાપરતો હોવાની શંકા વ્યક્ત કરી હતી. જેથી આખરે ટ્રાફિક પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતા વલસાડના ખેરલાવ ગામના વાણીયાવાડમાં રહેતા અંકિતકુમાર હસમુખકુમાર પત્રેકરનો ભાંડો ફૂટી ગયો હતો. જેમાં અંકિતકુમાર દારૂની ખેત મારવા માટે અને પોલીસના હાથમાં ન આવે તથા અન્ય કોઈ એજન્સીના હાથમાં ન આવે તે માટે ડુબલીકેટ નંબર પ્લેટ લગાવી કાર ફેરવતો હતો. આ દરમિયાન ગતરોજ તેમની કાર પીપલોદ વિસ્તારમાં કારગીલ ચોક પાસે એસવીએનઆઇટી સર્કલ પાસેથી પૂરપાટ ઝડપે પસાર થતી હતી ત્યારે પોલીસે ઝડપી પાડી હતી અને અંકિત કુમારને પણ ઝડપી પાડી ઉમરા પોલીસને હવાલે કર્યો હતો. ઉમરા પોલીસે રાજેન્દ્ર કુમારની ફરિયાદ લઈ બુટલેગર અંકિત કુમાર સામે ગુનો દાખલ કરી તેમની કાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે