જામનગર શહેર-જિલ્લાના લોક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
જામનગર, 2 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જામનગર તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાઓના વિક
બેઠક


જામનગર, 2 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જામનગર તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાઓના વિકાસ કાર્યો તથા લોક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં પદાધિકારીઓ દ્વારા વીજ કનેક્શન, જમીન માપણી, આધારકાર્ડ, રાશનકાર્ડ, આવકના દાખલા, રોડ તથા બ્રિજના કામો, આરોગ્ય કેન્દ્રમાં ખાલી જગ્યાઓ ભરવા, સિંચાઈ યોજનાના કામો, ચેકડેમ રીપેર કરવા, સૌની યોજના હેઠળ પાઇપલાઇન લંબાવવા, એસટી બસના રૂટ ફાળવવા, પીવાના પાણીની લાઈન નાખવા અને એમ્બ્યુલન્સ સુવિધા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે આ તમામ પ્રશ્નો અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને તેના સત્વરે નિરાકરણ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકોની મુશ્કેલીઓ દૂર કરવા તેમજ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા આ સંયુક્ત બેઠકનું આયોજન કરાયું છે.તેમણે ઉપસ્થિત અધિકારીઓ તથા પદાધિકારીઓને 'ટીમ જામનગર' તરીકે લોકોના પ્રશ્નોના નિવારણ માટે સકારાત્મક અભિગમ દાખવવાની સાથે આરોગ્ય અને રોડ-રસ્તા અંગે આગોતરું આયોજન કરી લોકોને સુખાકારીમાં વધારો થાય તે પ્રકારે કામગીરી હાથ ધરવા ભારપૂર્વક જણાવ્યું હતું.સાથે જ પ્રભારી મંત્રીએ ઓપરેશન સિંદૂર, મોકડ્રિલ, તથા વિવિધ કુદરતી આપદા સમયે જિલ્લા વહીવટી તંત્ર જામનગરની તૈયારીઓ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વ્યક્ત કરાયેલ સંતોષ અંગેની માહિતી આપી સમગ્ર તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

વધુમાં, મંત્રી મુળુભાઈએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા, સ્વચ્છતા જાળવવા અને આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે પર્યાવરણનું જતન કરવા પણ ઉપસ્થિત સૌને અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, ડો. વિનુભાઈ ભંડેરી, નગરપાલિકા તથા તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande