મહેસાણા, 2 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુટાસણ ગામે દલિત સમાજના યુવાન અમન પર થયેલા હુમલાના કેસમાં ન્યાયની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા મહેસાણા એસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ હુમલો ત્યારે થયો હતો જ્યારે ગામમાં યોજાયેલી ગ્રામસભામાં અમનએ દલિત સમાજ માટે સ્મશાનની જગ્યા અંગે રજૂઆત કરી હતી. આ બાબતથી નારાજ થયેલા કેટલાક અસામાજિક તત્વોએ યુવાન પર હુમલો કર્યો હતો.
ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અમનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ હુમલામાં કુલ સાત જેટલા શખ્સો સંડોવાયેલા હતા.
મહેસાણા એસપી કચેરી ખાતે એચપી ડોક્ટર તરુણ દુગલે જણાવ્યું હતું કે અત્યાર સુધી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આજે વધુ એક મુખ્ય આરોપીની પણ ધરપકડ કરી લેવાઈ છે.
પીડિત યુવાનના પરિવાર દ્વારા વધુ બે શખ્સોના નામ પણ ઘટનામાં સંડોવાયેલા હોવાનું જણાવી એફઆઈઆરમાં નામ ઉમેરવાની રજૂઆત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR