સુરત, 2 ઓગસ્ટ (હિ.સ.)- મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા માંગરોળ તાલુકાના વાંકલની એન.બી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કુલ ખાતે 'નારી વંદન ઉત્સવ-૨૦૨૫' અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાની ૧૮૦થી વધુ વિદ્યાર્થિનીઓને ઉચ્ચ શિક્ષણ, મેન્સટ્રુઅલ હાઇજીન અને પોકસો એક્ટ વિષે માહિતગાર કરાયા હતા.
આ પ્રસંગે દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ડી.પી.વસાવાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં દીકરીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત થવા માટે હાકલ કરી હતી. બદલાતા સમય સાથે કદમ મેળવી અનેક ક્ષેત્રોમાં અગ્રેસર મહિલાઓમાંથી પ્રેરણા લઈને દરેકને ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
બેટી બચાઓ,બેટી પઢાઓ દિનની ઉજવણી નિમિત્તે મેડિકલ ઓફિસર ડૉ.હરેશભાઈ રાદડિયાએ PC& PNDT ACT તેમજ માસિક દિવસોમાં રાખવાની સ્વચ્છતા અને સુરક્ષા અંગે જાણકારી આપી હતી. નાની વયે થતાં માતૃત્વથી માતા અને બાળકોને થતાં જોખમની ચર્ચા કરી હતી.
સાથે જ આ પ્રસંગે બાળ સુરક્ષા એકમની વિવિધ યોજનાઓ, OSC સેન્ટર, PBSC સેન્ટર,નારીગૃહ, ૧૮૧ મહિલા હેલ્પલાઇન તેમજ પોક્સો એક્ટ વિષે દીકરીઓને અવગત કરાઇ હતી. અને ઉપસ્થિત મહેમાનો હસ્તક વ્હાલી દીકરીના લાભાર્થીઓને મંજૂરી હુકમ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાર્વજનિક હાઈસ્કુલના પ્રમુખ સંજયભાઈ દેસાઇ, પ્રિન્સિપાલ પારસભાઈ મોદી, બાળ સુરક્ષા એકમના દિવ્યેશભાઈ ગામિત, કૌશિકભાઈ વ્યાસ, osc કેન્દ્ર સંચાલક કોકિલાબેન ચૌધરી તેમજ શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે