ગાંધીનગર, 2 ઓગસ્ટ (હિ.સ.) : સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ ગાંધીનગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘૫૮માં CRPF ગ્રુપ કેન્દ્રની’ ઉજવણી સી.આર.પી.એફ નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેંજ અનુપમ શર્માની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત CRPFના જવાનો દ્વારા તૈયાર કરાયેલા ૨૫થી વધુ સ્ટોલનું પોલીસ મહાનિરીક્ષક દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે અનુપમ શર્માએ જણાવ્યું હતું કે, આ ગ્રુપ કેન્દ્રની સ્થાપના તા.૦૧ ઓગસ્ટ ૧૯૬૮ના રોજ રાજસ્થાનના ટોંક જિલ્લાના દેવલી ગામેથી કરવામાં આવી હતી. આજે આ ગ્રુપ કેન્દ્રનો ૫૮મો સ્થાપના દિવસ છે. જેની સર્વે સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ સાથે સંકળાયેલા પોલીસ જવાનો અને તેમના પરિવારોને શુભકામનાઓ પાઠવું છું.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, CRPFના જવાનો દેશની આંતરિક સુરક્ષા, ચૂંટણી, કુદરતી આપત્તિઓ જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓમાં ફરજ બજાવતા હોય છે. આજે CRPFના જવાનોએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમની ફરજ, હિંમત અને અડગ પ્રતિબદ્ધતાને પરિણામે સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. આ સ્થાપના દિને પરેડ ગ્રાઉન્ડ ઉપર જવાનો દ્વારા ૨૫થી વધુ સ્ટોલ તૈયાર કરયા છે. જેમાં મુખ્યત્વે શિક્ષણ, મેડીકલ – કોસ્મેટીક, રમત –ગમત અને ખાણી-પીણી વગેરેનો સમાવેશ થાય છે. CRPFના અધિકારીઓ- જવાનોને તેમના પરિવાર સાથે આ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને જવાનોનો જુસ્સો વધારવા શ્રી અનુપમ શર્માએ અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં CRPF- ગાંધીનગર નાયબ પોલીસ મહાનિરીક્ષકની ધર્મપત્ની સુખબીર કૌર, મેડીકલ મહાનિરીક્ષક ડૉ. રક્ષપાલ સિંહ, કમાન્ડેન્ટ વિજયકુમાર વર્મા, ૧૩૫ મહિલા કમાન્ડેન્ટ વિજયા ઢૂંઢિયાલ તેમજ સી.આર.પી.એફના અધિકારી – કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ