પાટણ તાલુકા સંકલન સમિતિ બેઠકમાં સમસ્યાઓ અંગે ચર્ચા અને નિરાકરણના સૂચનો
પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ-ઊંઝા ફોરલાઈન રોડ પર પેચ વર્ક યોગ્ય ન થતાં રજૂઆત કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના નાયબ કાર્યપાલક ઈજનેર, સિદ્ધપુરે જણાવ્યું કે તાજેતરમાં પેવર પટ્ટા તથા પેચ વર્કની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ભારે વરસાદના ક
પાટણ તાલુકા સંકલન સમિતિ બેઠકમાં સમસ્યાઓ અંગે ચર્ચા અને નિરાકરણના સૂચનો


પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ-ઊંઝા ફોરલાઈન રોડ પર પેચ વર્ક યોગ્ય ન થતાં રજૂઆત કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના નાયબ કાર્યપાલક ઈજનેર, સિદ્ધપુરે જણાવ્યું કે તાજેતરમાં પેવર પટ્ટા તથા પેચ વર્કની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ભારે વરસાદના કારણે થોડા ભાગમાં પેચ પડી ગયા છે. હાલ મરામત કામગીરી પ્રગતિમાં છે.

બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ત્રણ વર્ષથી ફીમેલ હેલ્થ સુપરવાઇઝરની જગ્યા ખાલી હોવાથી સમસ્યા ઉભી થઈ છે. તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું કે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, પાટણને જરૂરી કાર્યવાહી માટે પત્ર મોકલવામાં આવ્યો છે.

પાટણ તાલુકાની જર્જરિત આંગણવાડીઓ અંગે માહિતી આપતાં સીડીપીઓ (આઇ.સી.ડી.એસ.)એ જણાવ્યું કે બાલીસણા આંગણવાડી કેન્દ્ર નંબર 182 અને 184નું બાંધકામ બિન પરંપરાગત પદ્ધતિથી થવાનો કાર્યક્રમ છે. ખારીવાવડી આંગણવાડી નંબર 103ના બાંધકામ માટે સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે. કણી આંગણવાડી કેન્દ્ર નંબર 180 અને 181ના મકાનોનું અગાઉ રિપેરિંગ થવાને કારણે તે હાલ જર્જરિત માનવા યોગ્ય નથી.

ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પાટણ તાલુકાના અરજદારો ઓનલાઇન અરજી કરી શકતા નથી તેવા મુદ્દે, ડી.આઇ.ઓ. (એન.આઇ.સી.) પાટણે જણાવ્યું કે અરજદારો માટે પંચાયત સેવાઓની એપ્લિકેશન અંગે એક્સેસ આપવાની માંગ સ્ટેટ સેન્ટર, એન.આઇ.સી.માં રજુ કરવામાં આવી છે.

ઉપરાંત, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. અલ્કેશ સોહેલે પાણી ભરાતા વિસ્તારોમાં નિકાલ સુચારૂ કરવા, પાણીના સંપ અને ટાંકીની નિયમિત સફાઈ તથા ક્લોરિનેશનના નિર્દેશ આપ્યા હતા જેથી મેલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીઓ અટકાવી શકાય.

શહેરના ફાટીપાળ લીંબાજ માતાની પોળની આંગણવાડી પાસે ગંદકી દૂર કરવા મામલતદારે નગરપાલિકા દ્વારા યોગ્ય પગલાં લેવા જણાવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande