ગીર સોમનાથ 2 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાતની સ્થાપનાના ગૌરવશાળી ૭૫ વર્ષ ૨૦૩૫માં પૂર્ણ થશે. આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી રૂપે, ગુજરાત સરકારે MyGovindia પ્લેટફોર્મ પર રાષ્ટ્રીય સ્તરે લોગો ડિઝાઈન સ્પર્ધાનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે.
આ સ્પર્ધાનો શુભ હેતુ ગુજરાતના 75 વર્ષની આ ભવ્ય યાત્રાના પ્રતીકરૂપે સર્જનાત્મક અને અર્થપૂર્ણ ‘લોગો’ નું સર્જન કરી અને તેને રાજ્યના આર્થિક નેતૃત્વ, ટેક્નોલોજીકલ પ્રગતિ, સાંસ્કૃતિક પ્રભુતા અને લોકકેન્દ્રિત શાસનને ઉજાગર કરવાનો છે.
મુખ્યમંત્રીએ સર્જનાત્મકતાની અભિવ્યક્તિના આગવા અવસર સમાન આ લોગો ડિઝાઈન માટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં નામાંકનનો Mygov.in પ્લેટફોર્મ પર પ્રારંભ કરાવ્યો હતો.
દેશભરમાંથી નાગરિકો પોતે ડિઝાઇન કરેલા લોગો તા. ૨૮ જુલાઈ થી તા.૧૪ ઓગસ્ટ દરમિયાન Mygov.in ની https://www.mygov.in/task/gujarat75-years-logo-competition/ લિંક પર સબમીટ કરી શકશે.
આ રાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી પામનાર લોગોને રૂપિયા ૩ લાખનો પુરસ્કાર તેમજ પ્રથમ પાંચ સ્પર્ધકોને મુખ્યમંત્રીના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. આથી વધુમાં વધુ નાગરિકોને આ તકનો લાભ લેવા અનુરોધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ