ગીર સોમનાથ 2 ઓગસ્ટ (હિ.સ.) વેરાવળમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રી ભાનુબહેન બાબરીયાના અધ્યક્ષસ્થાને નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા કક્ષાનો પી.એમ.કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો.
મંત્રી ભાનુબહેન બાબરીયાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ભારત એ એક કૃષિ પ્રધાન દેશ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં અન્નદાતાઓના સન્માન થકી સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરવાના ભગીરથ સંકલ્પનું આ સોપાન છે. વડાપ્રધાનશ્રીની આગેવાની અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સમૃદ્ધ ખેડૂત થકી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, કેન્દ્ર તથા રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ થકી નાના અને સીમાંત ખેડૂતની ચિંતા કરી છે. નાનો ખેડૂત પણ આર્થિક ઉન્નતી કરે તે દિશામાં સરકાર દ્વારા નિરંતર પ્રયત્ન કરવામાં આવે છે. ખેડૂતોની આવક વધારવા સરકાર દ્વારા અપાતી સહાય વચેટીયા કે દલાલ વગર સીધા તેમના જ ખાતામાં પહોંચે છે.
ભારતમાં સ્ટાર્ટઅપ થકી યુવાનો અને ખેતી થકી ખેડૂત અવિરત આગળ વધી રહ્યો છે. 'સૌના સાથ, સૌના વિકાસ' સૂત્રને લક્ષમાં લઈ અને રાજ્ય સરકાર અવિરત વિકાસના પંથે આગળ વધી રહી છે.
ખેડૂતોના આર્થિક હીતનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારોની વિવિધ યોજનાઓ અંતર્ગત ટ્રેક્ટર અને આધુનિક યાંત્રિકીકરણ માટે ખેડૂતોને વિવિધ સહાય આપવામાં આવે છે. પહેલા ટ્રેક્ટર ખરીદી સહાય માટે રૂ.૪૫,૦૦૦ થી રૂ.૬૦,૦૦૦ આપવામાં આવતાં હતાં. જે હવે વધારીને વર્ષ ૨૦૨૫-૨૬માં એક લાખ કરવામાં આવી છે.
ખેડૂત એ સમગ્ર માનવજાતના જીવનનો પાલનહાર છે એ અર્થમાં સૂચન કરી
મંત્રીશ્રીએ આધ્યાત્મિક અને પૌરાણિક ઉદાહરણો થકી જગતના તાતની મહેનતને બિરદાવી હતી.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કક્ષાના પી.એમ.કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ અંતર્ગત ૨૦માં હપ્તામાં ગીર સોમનાથ જિલ્લાના ૧,૧૩,૭૧૮ ખેડૂતોના ખાતામાં રૂ.૨૪.૭૭ કરોડ જમા કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં 'નારી વંદન સપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે મંત્રી અને મહાનુભાવોના હસ્તે 'બેટી બચાવો બેટી પઢાવો' અંતર્ગત 'વ્હાલી દિકરી' મંજૂરી હુકમ, વ્હાલી દિકરી વધામણા કીટ, એજ્યુકેશન કીટ સહિત મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના અંતર્ગત ટ્રેક્ટર, પાવર થ્રેશર, રોટાવેટર સહિતના લાભોના મંજૂરી હુકમ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.
ઉપસ્થિત સર્વેએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની અધ્યક્ષતામાં બનારસ ખાતેથી યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું અને ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
જિલ્લાકક્ષાના કાર્યક્રમની સમાનાંતર તાલુકા કક્ષાએ ઉના અને ગીરગઢડા એ.પી.એમ.સી ખાતે, સૂત્રાપાડામાં પ્રાંસલી એ.પી.એમ.સી, કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે અને તાલાળામાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગો ખાતે ઉપસ્થિત રહી ખેડૂતો અને નાગરિકોએ જીવંત કાર્યક્રમ નિહાળ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ બીજ નીગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ