-સિસ્ટમ ડેટામાં છેડછાડ કરીને કરોડોની છેતરપિંડી કરવાની ઘટના સામે આવી
-મેનેજરે કંપનીમાં ઉત્પન્ન થતાં કેમિકલના ખરીદ વેચાણમાં ડેટા એન્ટ્રી કરી જ નહી
-શૈલેષકુમાર મહેતા 34 વર્ષથી ઉત્પન્ન થતા મટીરીયલ્સની ગુણવત્તાન તપાસ વીના સ્ક્રેપમાં ખપાવી દેતા હતા
ભરૂચ 2 ઓગસ્ટ (હિ.સ.) વાલિયાની ગોદરેજ કંપનીમાં ફરજ બજાવતા મેનેજરે કંપનીમાં ઉત્પન્ન થતાં કેમિકલના ખરીદ વેચાણમાં ડેટા એન્ટ્રી નહિ કરીને ગેરરીતિ કરેલ હોવાનું ચકાસણી દરમિયાન જણાયું હતું.
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કનેરાવ ખાતે આવેલ એક કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા ઇસમે કંપની દ્વારા ઉત્પન્ન થતાં કેમિકલની આપ લે દરમિયાન સિસ્ટમ ડેટામાં છેડછાડ કરીને કથિત છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વાલિયા પોલીસ મથકમાં લખાવવામાં આવી હતી. કંપનીમાં હાલ આસિસ્ટન્ટ યુનિટ હેડ તરીકે ફરજ બજાવતા સુબિશ નાયર હાલ રહે.અંકલેશ્વરનાએ વાલિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ કંપનીમાં ડિસેમ્બર ૨૦૨૪ થી એપ્રિલ ૨૦૨૫ દરમિયાન ઉત્પાદન પ્રક્રિયાની સમીક્ષા અને ઇન્વેટરી ચકાસણી ચાલતી હતી,આ ચકાસણી દરમિયાન ઉત્પાદન હિસાબ તેમજ નિકાલ વેચાણમાં કેટલોક તફાવત જણાયો હતો,તેના આધારે કંપનીની કોર્પોરેટ ટીમ દ્વારા આ બાબતે વિગતવાર ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન ઉત્પાદન પ્રક્રિયામાં સાત પ્રકારની સ્ક્રેપની સામગ્રી ઉત્પન્ન થતી હતી તેનો ફેકટરી રેકોર્ડમાં કોઇ ઉલ્લેખ જણાયો નહતો,માત્ર વેચાણ સમયે જ તેની નોંધ થઇ હોવાનું જણાયું હતું.આને લઇને કંપનીના સિસ્ટમ ડેટામાં છેડછાડ થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ ચકાસણી દરમિયાન સિસ્ટમ દેટામાં છેડછાડ કરીને કુલ રૂપિયા 12.62 કરોડ જેટલી છેતરપિંડી કંપની સાથે કરવામાં આવી હોવાનું જણાયું હતું.પોલીસ ફરિયાદમાં જણાવાયા અનુસાર કંપનીમાં સલ્ફોનેશન આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા શૈલેષકુમાર મહેતા રહે.ક્રષ્ણાનગર સોસાયટી,સ્ટેશન રોડ પાછળ,ભરૂચનાએ વર્ષ 1991 થી એપ્રિલ 2025 સુધીના સમયમાં તેમની ફરજ દરમિયાન અલગઅલગ પ્રકારના કેમિકલ્સના અન્ય કંપનીઓ સાથેના ખરીદ વેચાણમાં અનિયમિતતા દર્શાવીને જેતે સમયે કંપનીના ખરીદ વેચાણમાં થઇ રહેલ કામગીરી બાબતે કંપનીના હેડને ખોટી માહિતી આપેલ હતી. ફરિયાદમાં વધુમાં જણાવાયા મુજબ કંપનીમાં ઉત્પન્ન થતાં મટિરિયલ્સની ગુણવત્તાની ચકાસણીની પ્રક્રિયા કર્યા વિના આ મટિરિયલ્સની સ્ક્રેપમાં ગણતરી કરીને સાત પ્રકારના મટિરિયલ્સની કુલ કિંમત રૂપિયા 173070189 જેટલી થતી હોવા છતાં કંપનીને ફક્ત રૂપિયા 46831032 મળેલ હોય કંપનીને મટિરિયલ્સના ખરીદ વેચાણ દરમિયાન રૂપિયા 126239157 જેટલું નુકશાન થયું હતું. આ બાબતે કંપની દ્વારા સદર ઇસમ શૈલેષકુમાર મહેતા સામે વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ