ગાંધીનગર, 2 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવું એ માત્ર એક ઔપચારિકતા નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણા છે. તેમણે કહ્યું કે, શિક્ષણ ફક્ત ડિગ્રી મેળવવા પૂરતું સીમિત ન હોવું જોઈએ, તે ચારિત્ર્ય નિર્માણનું માધ્યમ હોવું જોઈએ.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં રુચિલ ચેરીટેબલ ટ્રસ્ટ અને અસારવા વિસ્તારના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા દ્વારા સરદાર પટેલ સ્મારક ખાતે અસારવા વિસ્તારની શાળાઓના ધોરણ 5 થી 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું રાજ્યપાલએ સન્માન કર્યું હતું.
રાજ્યપાલએ બાળકોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, તેઓ 35 વર્ષ સુધી ગુરુકુળના પ્રધાન આચાર્ય તરીકે કાર્યરત રહ્યા હતા. તેમણે કહ્યું કે, તેમના ગુરુકુળમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સારા સ્વાસ્થ્ય અને સારા સંસ્કારો પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે. ગુરુકુળના વિદ્યાર્થીઓ વેદ પાઠ, યોગ, પ્રાણાયામ, પ્રાકૃતિક આહાર અને વિવિધ રમતો દ્વારા સર્વાંગી વિકાસ મેળવી રહ્યા છે. સાથે જ, કોઈ વ્યસન, ટીવી, મોબાઈલ નથી અને દિનચર્યા સંપૂર્ણપણે શિસ્તબદ્ધ છે.
તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, જીવનમાં ક્યારેય હીનતા ન રાખો. દેશમાં ઘણા મહાનુભાવો જેમ કે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અનેક સંઘર્ષોનો સામનો કરીને જ આગળ વધ્યા છે. આ ઉદાહરણોમાંથી પ્રેરણા લઈને, બાળકોએ સખત મહેનત, પ્રામાણિકતા અને સારા સંસ્કારોથી આગળ વધવું જોઈએ.
આ પ્રસંગે રાજ્યપાલએ વિદ્યાર્થીઓને ત્રણ મુખ્ય સિદ્ધાંતો આપ્યા: ઉત્તમ સ્વાસ્થ્ય, ઉત્તમ શિક્ષણ અને ઉત્તમ સંસ્કાર. તેમણે કહ્યું કે, બાળપણમાં કેળવાયેલી આદતો જીવનભરની પ્રકૃતિ બની જાય છે અને આ પ્રકૃતિ જીવનની દિશા નક્કી કરે છે.
તેમણે માતાપિતા અને શિક્ષકોને બાળકો પર નજર રાખવા, તેમને સારા સંગતમાં રાખવા અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવા અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, જે શિક્ષકો અને વાલીઓ કિશોરાવસ્થામાં બાળકો સાથે વાતચીત કરતા નથી તેઓ તેમના જીવનને જોખમમાં મૂકી શકે છે.
તેમણે પોતાના અનુભવોમાંથી એક હૃદયસ્પર્શી વાત વર્ણવી હતી, જેમાં તેમણે એક ખરાબ આદતવાળા બાળકને આદર્શ વિદ્યાર્થી અને નાગરિકમાં રૂપાંતરિત કર્યો હતો. આ ઉદાહરણ દર્શાવે છે કે, સમયસર યોગ્ય માર્ગદર્શન અને પ્રેમથી, કોઈપણ બાળકનું જીવન બદલી શકાય છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાની પહેલ કરનાર ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને માત્ર ડૉક્ટર, એન્જિનિયર કે અધિકારી બનવા જ નહીં, પણ રાષ્ટ્ર અને માનવતાની સેવા કરતા સંવેદનશીલ અને સારા માનવી બનવા આહવાન કર્યું હતું.
ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું કે, આજનો આ સન્માન સમારોહ માત્ર પ્રતિભાને બિરદાવાનું એક મંચ નથી, પણ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું મેદાન છે. જે વિદ્યાર્થીઓએ આજે પુરસ્કાર મેળવ્યા છે તેઓની મહેનત સરાહનીય છે, પરંતુ તેઓને વધુ ઊંચા સપનાઓ જોઈને હજુ આગળ વધવાનું છે. જેમને આજે પુરસ્કાર મળ્યો નથી, તેઓને પણ હાર ન માનવી જોઈએ. આવા પ્રસંગોથી નવી સ્પર્ધાત્મક ભાવના ઉભી થાય છે અને દરેક વિદ્યાર્થીઓ પોતે શ્રેષ્ઠ બનવાનો સંકલ્પ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, શિક્ષણ એ જીવનનું સૌથી મોટું હથિયાર છે જેનાથી આપણે નોકરી મેળવવા ઉપરાંત સંસ્કારયુક્ત નાગરિક બનીને સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે યોગદાન આપી શકીએ છીએ.
અગ્રણી પ્રેરકભાઈ શાહ અને રત્નાંજલી ગ્રુપના ડાયરેક્ટર સંયમભાઈ શાહે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભા બેન જૈન, ધારાસભ્ય અમિતભાઈ શાહ, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધ્યક્ષ ડૉ. સુજયભાઈ મહેતા, વિસ્તારના કોર્પોરેટરઓ, કાઉન્સિલરઓ, શાળાઓના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ