મહેસાણા, 2 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના કુંડાળ ગામની પ્રાથમિક શાળાએ બેગલેસ શનિવાર અંતર્ગત અનોખી અને શિક્ષણસભર પ્રવૃત્તિ હાથ ધરી હતી. આત્મા પ્રોજેક્ટ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં બાળકોને પ્રાકૃતિક ખેતીના મહત્વની જાણકારી આપવામાં આવી અને જીવામૃત બનાવવા તાલીમ આપવામાં આવી હતી. આ ઉત્સાહભેર યોજાયેલ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શાળાના આંગણામાં પોતાની જાતે જ કિચન ગાર્ડન બનાવ્યું.
આ કિચન ગાર્ડનમાં ટામેટા, રીંગણ, મરચાં, દુધી, કરેલા, પાલક, તુવર, ચોળી, મેથી અને ધાણા જેવી અનેક ઔષધીય અને પૌષ્ટિક શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બીટીએમ શ્રી હરેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જયારે એ ટી એમ કૌશલભાઈએ પણ કાર્યને સફળ બનાવવામાં યોગદાન આપ્યું.
આ અવસરે ક્લસ્ટર સી.આર.પી. તેમજ કૃષિ સખી પણ હાજર રહ્યા હતાં અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખાસ કરીને જીવનભાઈ નાથાભાઈ પટેલ દ્વારા બાળકોને પ્રાકૃતિક ખેતી, જીવામૃતની તૈયારી અને રાસાયણિક ખાતરોના નુકસાન અંગે વિસ્તૃત સમજ આપી હતી.
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ “બેગલેસ શનિવાર” ઉજવણીમાં આત્મા સંસ્થા દ્વારા આ પ્રકારની કૃષિ આધારિત પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં કુદરતી ખેતી પ્રત્યે રુચિ ઉમેરી નવા યુગના સંવેદનશીલ ખેડૂત તૈયાર કરવાનો સારો પ્રયાસ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR