જામનગર, 2 ઓગસ્ટ (હિ.સ.) : સાંસદ પૂનમબેન માડમ તથા જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરની ઉપસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે 'પી.એમ. કિસાન ઉત્સવ દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ચૂકવાયો હતો.જેમાં જામનગર જિલ્લાના 1,01,788 ખેડૂતોને રૂ.22.56 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોના સંઘર્ષો અને મુશ્કેલીઓને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે સાચા અર્થમાં ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન પણ ઉપસ્થિત સૌએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું. કૃષિ વૈજ્ઞાનિક કે.પી. બારૈયાએ ખેડૂતોને પ્રાકૃતિક અને આધુનિક કૃષિ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં, મહાનુભાવોના હસ્તે ખેડૂતોને ટ્રેક્ટર સહાય, કૃષિ યાંત્રિકીકરણ સહાય સહિતના કૃષિ સહાયના લાભો પણ અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલે સૌનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT