પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.)સારસ્વતી તાલુકાના ચારૂપ ગામની જૂની સરકારી પ્રાથમિક શાળાના બે ઓરડા જર્જરિત હોવાને કારણે તંત્રએ તમામ વિદ્યાર્થીઓને ગામથી દોઢ કિલોમીટર દૂર આવેલી નવી શાળામાં મર્જ કરવાનો નિર્ણય લીધો છે. શાળાના 167 વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 5માં અભ્યાસ કરે છે અને શાળાના 10 ઓરડાઓમાંથી ફક્ત બે જ જર્જરિત છે, જ્યારે બાકીના ઓરડા સારી સ્થિતિમાં છે.
આ નિર્ણય સામે ગ્રામજનોનો કડક વિરોધ થયો છે. તેઓ માંગે છે કે સરકાર જૂની શાળાના જર્જરિત ઓરડાઓના સમારકામ માટે જરૂરી ગ્રાન્ટ ફાળવે. જો ગ્રાન્ટ ન મળે તો ગ્રામજનો પોતે લોકફાળો એકત્રિત કરીને સમારકામ કરવા તૈયાર છે.
ગ્રામજનોની મુખ્ય ચિંતામાં નવી શાળા ગામથી દોઢ કિલોમીટર દૂર હોવા ઉપરાંત વચ્ચે સુજલામ સુફલામ નહેર હોવી છે. ખેડૂતોએ સીઝનમાં નહેરમાં પાણી છોડવાથી બાળકોને શાળાએ જવામાં જોખમ રહે છે. તેથી તેઓ જૂની શાળા ચાલુ રાખવા માંગે છે.
શાળાના આચાર્યએ જણાવ્યું કે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના પરિપત્ર અને બાળકોના સુરક્ષાને ધ્યાનમાં રાખીને જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ બેસાડવાને મનાઈ છે. જિલ્લા ટીમે સ્થળ મુલાકાત પછી નવી શાળામાં મર્જ કરવાનો નિર્ણય લીધો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર