પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ પાટણ ખાતે ઉજવાયો હતો. કાર્યક્રમમાં આયોજન પંચના ચેરમેન યમલભાઈ વ્યાસ અધ્યક્ષપદે રહ્યા હતા. પાટણ જિલ્લાના 1,87,785 ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 20મા હપ્તા રૂપે રૂ. 2,000 પ્રમાણે કુલ રૂ. 40.09 કરોડની સહાય DBT મારફતે આપવામાં આવી હતી.
દેશભરમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ખેડૂતોને સહાય વિતરણ કરી હતી. ગુજરાતના 52.16 લાખથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂ. 1,118 કરોડની સહાય DBT મારફતે આપવામાં આવી. પાટણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભાષણોનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું.
યમલભાઈ વ્યાસે પોતાના ભાષણમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવા આહ્વાન કર્યું અને જણાવ્યું કે વડાપ્રધાને ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. કાર્યક્રમ દરમિયાન લાભાર્થી ખેડૂતોને વિવિધ યોજનાના લાભોનું વિતરણ કરાયું હતું. ચાણસ્માના નટુભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવો વ્યક્ત કર્યા. કાર્યક્રમમાં હેતલબેન ઠાકોર, સી.એલ. પટેલ, જે.વી. પટેલ સહિત વિવિધ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર