પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેર અને જિલ્લામાંથી પસાર થતી પવિત્ર સરસ્વતી નદી આજે પણ લોકોની શ્રદ્ધાનું મહત્વનું કેન્દ્ર છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે લોકો નદીમાં સ્નાનનો લાભ લઈ શકે અને તહેવારોમાં નદીનું ધાર્મિક મહત્વ જળવાઈ રહે તે હેતુથી સરસ્વતી નદીમાં પાણી છોડવાની રજૂઆત થઈ છે.
પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી સરસ્વતી નદીમાં સુજલામ સુફલામ કેનાલ મારફતે પાણી છોડવાની માંગ કરી છે. ધારાસભ્યએ જણાવ્યું કે આ પગલાથી પાટણ સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતોને લાભ થશે, તેમજ બોરિંગમાં પાણીની ઉપલબ્ધિ વધી ખેતી માટે પણ લાભદાયી સાબિત થશે.
સાથે સાથે, પાણીના તળ ઊંચા આવશે અને નદીનું ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્વ જળવાઈ રહેશે. સ્થાનિક લોકો માટે આ પ્રકારનું પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર