સાંતલપુરના સાદપુરા ગામે રિક્ષાચાલક પર હુમલો, ચાર વિરુદ્ધ ગુનો નોંધાયો
પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.) : સાંતલપુર તાલુકાના સાદપુરા ગામમાં રિક્ષાચાલક કાસીમખાન હાજીખાન જત મલેક (ઉ.વ. ૨૮) પર ચાર શખ્સોએ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કાસીમખાન વારાહીના મોટો ઠાકોરવાસના રહેવાસી છે અને રિક્ષા ચલાવે છે. ઘટનાના દિવસે કાસીમખાન
સાંતલપુરના સાદપુરા ગામે રિક્ષાચાલક પર હુમલો, ચાર વિરુદ્ધ ગુનો નોંધાયો


પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.) : સાંતલપુર તાલુકાના સાદપુરા ગામમાં રિક્ષાચાલક કાસીમખાન હાજીખાન જત મલેક (ઉ.વ. ૨૮) પર ચાર શખ્સોએ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કાસીમખાન વારાહીના મોટો ઠાકોરવાસના રહેવાસી છે અને રિક્ષા ચલાવે છે.

ઘટનાના દિવસે કાસીમખાન સાદપુરા ગામે એક પેસેન્જરને ઉતારવા ગયા હતા ત્યારે એક અજાણ્યા શખ્સે તેમને ગામમાં ન આવવા ચિમકી આપી. ત્યારબાદ તેઓ પરત જવા નીકળ્યા ત્યારે સાદપુરાની પ્રાથમિક શાળા પાસે કલ્પેશભાઈ વાલાભાઈ ભરવાડ, વાલાભાઈ કરશનભાઈ ભરવાડ અને અન્ય બે અજાણ્યા ઈસમોએ તેમને અટકાવ્યા હતા.

આ આરોપીઓએ કાસીમખાનને અપશબ્દો કહી ગાળો આપી હતી. કલ્પેશભાઈએ હોકી વડે ડાબા પગે અને પીઠ પર માર્યો હતો, જ્યારે વાલાભાઈએ ટામી વડે ડાબા ખભા પર હુમલો કર્યો હતો. બાકીના બે ઇસમોએ લાકડી વડે પીઠ પર માર માર્યો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

કાસીમખાને ઘટના બાદ વારાહી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૩૫૧(૨), ૨૯૬(બી), ૫૪ અને જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. આરોપીઓએ હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસ ચારેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande