પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.) :;પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની પસંદગી એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવી છે, જે દેશના અલ્પવિકસિત ૫૦૦ તાલુકાઓમાંનો એક છે. આ તાલુકાએ નક્કી કરાયેલી કામગીરીના સૂચકાંકોમાં ૧૦૦ ટકા સફળતા પ્રાપ્ત કરી છે.
આ સિદ્ધિના ઉપલક્ષ્યમાં પાટણ ખાતે લીલા બેન્કવેટ હોલ, હારીજ લીંક રોડ પર સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સંતોષકારક પરિણામો પ્રાપ્ત કરનારા ક્ષેત્રોમાં ગર્ભવતી મહિલાઓની સમયસર નોંધણી, પૂરક પોષણની ચુકવણી, 30 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોનું હાઈપરટેન્શન અને ડાયાબિટીસ ચેકઅપ, તેમજ સોઈલ સેમ્પલ કલેક્શન અને વિતરણ જેવી સેવાઓનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ અને નિવાસી અધિક કલેક્ટર વી.એલ. બોડાણા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આશા વર્કર્સ, આંગણવાડી કર્મીઓ, ફીમેલ હેલ્થ વર્કર્સ, કોમ્યુનિટી હેલ્થ વર્કર્સ અને સખી મંડળોની કામગીરી માટે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર