સુરત, 2 ઓગસ્ટ (હિ.સ.)- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો ‘પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ’ ઉજવાયો હતો, જેના ભાગરૂપે સુરત જિલ્લાકક્ષાનો ‘પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ’ કાર્યક્રમ શહેરના પનાસ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાંસદ મુકેશભાઈ દલાલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૨૦મા હપ્તારૂપે સુરત જિલ્લાના ૧.૨૩ લાખ ખેડૂતોના ખાતામાં પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂા.૨૫.૯૭ કરોડની સહાય જમા થઈ હતી.
જિલ્લાના ખેડૂતોને વિવિધ સહાયના ચેકો અર્પણ કરતા સાંસદએ આ પ્રસંગે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૯ માં શરૂ થયેલી કિસાન સન્માન નિધિ યોજનાએ ખેડૂતોને ખેતીને ઉન્નત બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આ યોજનામાં ઈનપુટ્સ સહાય સ્વરૂપે સહાય સ્વરૂપે મળતા નાણાથી ખેડૂતોને ખેતીખર્ચમાં સમયસર અને ઉપયોગી મદદ મળે છે. પરિણામે ખેડૂતો ખરા અર્થમાં સશક્ત અને સમૃદ્ધ બન્યા છે.
કિસાનભાઈઓનો સર્વાંગી વિકાસ થાય અને તેઓ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતીને પ્રગતિના માર્ગે લઈ જાય એ માટે સરકાર પ્રયત્નશીલ છે. તેમણે દરેક ખેડૂતોને જળસંચયના માધ્યમથી ખેતરનું પાણી ખેતરમાં રહે તે માટે વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરો ઉભા કરવાનો તેમણે અનુરોધ કર્યો હતો.
સુમુલ ડેરીના ડિરેકટર જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક ડબલ થાય તેમજ ખેતીલક્ષી અનેકવિધ યોજનાઓના માધ્યમથી સમૃદ્ધ બને એ માટે સરકાર ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે. દેશભરના ૯.૭ કરોડ ખેડૂતોને પી.એમ.કિસાન યોજના હેઠળ વડાપ્રધાન દ્વારા રૂા.૨૦,૫૦૦ કરોડની સહાય ડી.બી.ટી. મારફતે વિતરણ કરવામાં આવી છે એમ જણાવી સૌને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરવા માટેનો અનુરોધ તેમણે કર્યો હતો.
વડાપ્રધાનએ ઉત્તરપ્રદેશના વારાણસીથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૦મો હપ્તો રિલીઝ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉત્તરપ્રદેશના વારાણસીથી ખેડૂતોને લાઇવ ટેલીકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન તથા ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું લાઇવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિ. વિકાસ અધિકારી શિવાની ગોયલ, સુરત કેવીકેના વડા અને વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક જનકભાઈ રાઠોડ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીત તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે