સુરત, 2 ઓગસ્ટ (હિ.સ.)- સમગ્ર દેશમાં તા.૩ ઓગષ્ટ રાષ્ટ્રીય અંગદાન દિવસરૂપે ઉજવાય છે. ૧૫મા રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં અંગદાન ક્ષેત્રે થતી કામગીરીને બિરદાવવામાં માટે નવી દિલ્હીના ડો.આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે NOTTO આયોજિત સમારોહમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાના હસ્તે ‘બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર’નો એવોર્ડ એનાયત કરાયો હતો. અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ છે.
અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ માટે કાર્યરત ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની કેન્દ્રીય સંસ્થા NOTTO (નેશનલ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા આયોજિત એવોર્ડ સમારોહમાં નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમાર, આર.એમ.ઓ. ડૉ.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા. ન્યુરોસર્જન ડો.મેહુલ મોદીએ ઉપસ્થિત રહીને એવોર્ડ સ્વીકાર્યો હતો.
ગરવી ગુજરાત ભવન-નવી દિલ્હી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી સિવિલ તંત્રના આરોગ્ય ટીમ, પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી એવોર્ડ પ્રાપ્ત થવા બદલ શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.
નોંધનીય છે કે, સુરત નવી સિવિલથી કુલ મળીને ૨૬ આંખો, ૫૭ લીવર, ૧૨૬ કિડની, ૯ હાથ, ૬ હ્રદય, ૧૨ ફેફસા, ૨ પેન્ક્રીયાઝ (સ્વાદુપિંડ), ૬ સ્મોલ બાઉલ, ૧ RAFF (રેડિયલ ફોરિયમ ફ્લેપ)નું દાન થયું છે. નવી સિવિલમાં ૭૨ અંગદાન થકી ૨૫૦ જરૂરિયાતમંદ લોકોને નવજીવન મળ્યું છે.
નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારે ખુશી વ્યકત કરતા કહ્યું કે, સુરત નવી સિવિલને પ્રાપ્ત થયેલો એવોર્ડ પ્રત્યેક અંગદાતા અને તેમના પરિવારજનોને સમર્પિત છે. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી દિલીપદાદા દેશમુખના માર્ગદર્શન અને પ્રેરણા સાથે અંગદાનમાં સિવિલની આરોગ્ય ટીમ હંમેશા ટીમવર્ક સાથે સેવારત રહી છે. બ્રેઈનડેડ થવાના મહત્તમ કિસ્સાઓમાં અંગદાન થાય અને જરૂરીયાતમંદ લોકોને અંગદાન થકી નવજીવન મળે એ મોટું પૂણ્યકાર્ય છે.
આર.એમ.ઓ. ડૉ.કેતન નાયકે જણાવ્યું હતું કે, અંગદાનના શરૂઆતથી અંત સુધીની પ્રક્રિયામાં કોઓર્ડીનેટર તરીકે કામગીરી નિભાવવાની તક મળી એ મારા માટે ઉત્તમ સેવા છે. ખાસ કરીને દર્દીના પરિવારની દુઃખ અને વિકટ સ્થિતિમાં પરિવારનું કાઉન્સેલિંગ ખૂબ મહત્વનું હોય છે. આ કાર્યમાં સમજદારી અને સંવેદના સાથે તેમને સાચા માર્ગદર્શનની સૌથી વધુ જરૂર હોય છે.
નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલાએ જણાવ્યું કે, અંગદાનથી અંગોની જરૂરિયાત ધરાવતા હજારો લોકોના જીવનમાં નવી રોશની આવે છે. અંગદાતા પરિવાર સાથે કાઉન્સેલિંગની કામગીરીમાં સેતુરૂપ બની અંગદાન પ્રક્રિયા પાર પાડવી એ સેવા અને માનવીય ફરજનો લ્હાવો છે. અંગદાનમાં સૌથી વધુ કઠિન અને મહત્વનું કાર્ય દર્દીને બ્રેઈનડેડ જાહેર કરવાનું તેમજ નાજુક તબક્કામાં પરિવારજનોની સમજૂતી દ્વારા સહમતિ મેળવવી એ સૌથી મોટી પડકારરૂપ કામગીરી હોય છે. પરંતુ સુરત સિવિલ ટીમે આ કામગીરી સફળતાપૂર્વક નિભાવી છે. આવનારા દિવસોમાં સિવિલ હોસ્પિટલ થકી વધુને વધુ અંગદાન થાય એવા અમારા પ્રયાસો રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે