જામનગર, 2 ઓગસ્ટ (હિ.સ.) : જિલ્લા માહિતી કચેરી જામનગર દ્વારા સંપાદિત, જિલ્લા આયોજન અધિકારીની કચેરી દ્વારા સંકલિત તથા જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા પ્રકાશિત જામનગર જિલ્લાના વિકાસ કામોની ઝાંખી કરાવતી 'જિલ્લા વિકાસ વાટિકા' પુસ્તિકાનું રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે વિમોચન કરાયું હતું.
આ ‘વિકાસ વાટિકા’ પુસ્તિકામાં વર્ષ ૨૦૨૪-૨૫માં જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યો તથા સિદ્ધિઓને આલેખવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું વિવરણ, જિલ્લાનો સંક્ષિપ્ત ઈતિહાસ, પ્રવાસન સ્થળો, જિલ્લામાં થયેલા વિવિધ લોકાર્પણ/ખાતમુહૂર્ત, વિકાસ કાર્યો સહિતની માહિતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આ પુસ્તિકા જામનગર જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્રના અભ્યાસુઓ માટે ખૂબ જ ઉપયોગી પ્રકાશન બની રહેશે.
વિકાસ વાટિકા વિમોચન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, નાયબ માહિતી નિયામક સોનલ જોષીપુરા, નગરપાલિકાના પ્રમુખો, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, અગ્રણીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
--------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT