પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં શૈક્ષણિક યોજનાઓની માહિતી અંતિમ ગામ સુધી પહોંચે તે હેતુથી મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ સરસ્વતી બીઆરસી ભવન ખાતે વિડિયો સ્ક્રિપ્ટ રાઇટીંગ વર્કશોપનું આયોજન થયું હતું.
આ વર્કશોપમાં તાલુકાના ઈનોવેટિવ અને ડિજિટલ કન્ટેન્ટ નિર્માણમાં રસ ધરાવતા શિક્ષકોનો સહભાગ રહ્યો હતો. શિક્ષકોએ સ્ક્રિપ્ટ રાઇટીંગની કામગીરી હાથ ધરી હતી. સરસ્વતી બીઆરસીના શ્રી રતાજી ઠાકોરે જણાવ્યું હતું કે લોક બોલીમાં માહિતી આપતા વિડિયો જાણીતા યુટ્યુબર્સ અને ઇન્ફ્લુએન્સર્સ દ્વારા તૈયાર કરવામાં આવશે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સરકાર અને શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓની માહિતી ગામડાં સુધી પહોંચે, લોકોમાં જાગૃતિ વધે અને વધુમાં વધુ લાભાર્થીઓ સુધી તેનો લાભ પહોંચાડી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર