મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા શહેરના ફુવારા સર્કલ નજીક આવેલ સિદ્ધિ વિનાયક મંદિરમાં દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે એટલે કે ગણેશ ચતુર્થી પર એક અનોખી પરંપરા નિભાવવામાં આવે છે. અહીં બિરાજમાન જમણી સૂંઢવાળા ગણપતિજીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. આ પરંપરા ગાયકવાડી સમયથી શરૂ થઈ હતી અને આજે સતત 104 વર્ષથી યથાવત છે. આ વર્ષે પણ પરંપરા અનુસાર ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો, જેમાં ખાસિયત એ રહી કે મહિલા પોલીસકર્મીઓએ પણ સન્માન અર્પણ કર્યું.
સિદ્ધિ વિનાયક મંદિરની વિશેષતા એ છે કે અહીંની પ્રતિમા જમણી સૂંઢવાળી છે, જ્યારે સામાન્ય રીતે ગણપતિજીની પ્રતિમા ડાબી સૂંઢવાળી જોવા મળે છે. આ અનોખી મૂર્તિ અને મંદિરના મહિમાને કારણે મહેસાણા ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડે છે. ખાસ કરીને ગણેશ મહોત્સવ દરમિયાન અહીં ભક્તિનો મહાસાગર છલકાય છે અને શહેરની આ પરંપરા ધાર્મિક સાથે સાથે સામાજિક મહત્વ પણ ધરાવે છે.
મંદિરના ઈતિહાસ પર નજર કરીએ તો વર્ષ 1911માં ઉદાસીન સંપ્રદાયના મહંત નિરંજનદાસ ગુરુએ જમીન ખરીદી હતી અને 1917માં મંદિરનું નિર્માણ કર્યું હતું. વર્ષ 1921થી પોલીસ દ્વારા ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા શરૂ થઈ, જે આજ સુધી અકબંધ છે. આ મંદિર માત્ર ધાર્મિક આસ્થા જ નહીં પરંતુ મહેસાણાની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખનું પણ પ્રતિક બની ગયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR