જામનગર, 27 ઓગસ્ટ (હિ.સ.) : ધ્રોલના માનસર ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા મૂળ દાહોદના યુવતીને ગઈકાલે છાતીમાં દુ:ખાવો ઉપડ્યા પછી તેણીનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે સમર્પણ સર્કલ પાસેથી બેભાન હાલતમાં મળેલા અજાણ્યા પુરૂષનું સારવારમાં મૃત્યુ થતા પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
ધ્રોલ તાલુકાના માનસર ગામમાં આવેલા અશ્વિનભાઈ બારૈયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વતની શર્મિષ્ઠાબેન શરદભાઈ પરમાર નામના ત્રેવીસ વર્ષના શ્રમિક યુવતીને ગઈકાલે સાંજે છાતીમાં દુખવા માંડતા ત્યાં હાજર શરદભાઈ ગોબરભાઈ પરમારે તેઓને ધ્રોલ દવાખાને ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવતીને મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. પોલીસે શરદભાઈનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.
જામનગરના સમર્પણ સર્કલ પાસે ગઈકાલે સાંજે પિસ્તાલીસેક વર્ષની વયના એક અજાણ્યા પુરૂષ બેભાન જેવી હાલતમાં જોવા મળતા યુસુફ મામદ ખફીએ ૧૦૮ને કોલ કરી આ પુરૂષને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. સિટી સી ડિવિઝન પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt