અમરેલી જિલ્લાના મોટા આકડીયા ગામે AAP ની સભા, ભાજપ વિરુદ્ધ ઝુંબેશ તેજ – જિલ્લા-તાલુકા ચૂંટણીની તડામાર તૈયારી શરૂ
અમરેલી 27 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના મોટા આકડીયા ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત યોજાઈ હતી, જેમાં રાજ્યના પ્રખ્યાત નેતા અને ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સહિત પ્રદેશ સ્તરના તેમજ
અમરેલી જિલ્લાના મોટા આકડીયા ગામે AAP ની સભા, ભાજપ વિરુદ્ધ ઝુંબેશ તેજ – જિલ્લા-તાલુકા ચૂંટણીની તડામાર તૈયારી શરૂ


અમરેલી 27 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના મોટા આકડીયા ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત યોજાઈ હતી, જેમાં રાજ્યના પ્રખ્યાત નેતા અને ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સહિત પ્રદેશ સ્તરના તેમજ સ્થાનિક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

સભામાં હાજર રહેલા નેતાઓએ ભાજપ સરકાર પર કરેલા આકરા પ્રહારોમાં જણાવ્યું કે, રાજ્યમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નો ઊભા થયા છે, પરંતુ સરકાર મૌન છે. લોકો આ ત્રાસથી કંટાળી ગયા છે અને હવે પરિવર્તનની આશા સાથે AAP તરફ વળી રહ્યા છે.

ગોપાલ ઈટાલિયાએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ગુજરાતમાં સાચી વિકલ્પરૂપ રાજનીતિની જરૂર છે અને આ માટે AAP મજબૂત રીતે ઉભરી રહી છે. તેમણે ખાસ કરીને અમરેલી જિલ્લાના ખેડૂતો, માછીમારો અને યુવાનોના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેઓએ વચન આપ્યું કે જો જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં AAP ને બહુમતી મળશે તો પારદર્શક અને વિકાસલક્ષી રાજકારણ દ્વારા લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે.

આ પ્રસંગે સ્થાનિક સ્તરે અનેક લોકોએ ભાજપ છોડીને AAP માં જાહેર જોડાણી કરી હતી. સભા સ્થળે લોકોની વિશાળ હાજરીથી ઉત્સાહજનક વાતાવરણ સર્જાયું હતું. ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી નેતાઓને આવકાર્યા હતા અને પરિવર્તનની માંગને મજબૂતી આપી હતી.

AAP ના જિલ્લા નેતાઓએ જણાવ્યું કે આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ઘરો સુધી પહોંચી લોકોની સમસ્યાઓ સાંભળવાની અને ઉકેલ લાવવાની દિશામાં અભિયાન શરૂ કરવામાં આવશે.

મોટા આકડીયા ગામની આ સભાએ AAP ના કાર્યકરોમાં નવો જુસ્સો અને આત્મવિશ્વાસ જગાડ્યો છે, જે ચૂંટણી પૂર્વે પક્ષ માટે મહત્વનો માઇલસ્ટોન સાબિત થઈ શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande