અમરેલી 27 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તા. ૨૯ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ “સર્વ રોગ નિદાન કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારના ૯:૦૦ વાગ્યાથી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.
આ વિશાળ આરોગ્ય કેમ્પ જિલ્લામાં આવેલા તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિરોમાં યોજવામાં આવશે. આ અવસરે સામાન્ય રોગચાળાથી લઈને ગંભીર બીમારીઓની તપાસ, નિદાન અને સારવારની સુવિધા મફતમાં ઉપલબ્ધ રહેશે.
કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબો દ્વારા વિવિધ તપાસો, દવાઓનું વિતરણ તેમજ આરોગ્ય સલાહ આપવામાં આવશે. ખાસ કરીને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ, આંખની ચકાસણી, સ્ત્રીરોગ, બાળરોગ તેમજ અન્ય જરૂરી ચકાસણીઓ માટે અલગ-અલગ વિભાગો કાર્યરત રહેશે.
જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર જનતાને આ અનોખી તકનો લાભ લેવા નમ્ર અપીલ કરી છે. આરોગ્ય ચકાસણી દ્વારા વહેલી તકે રોગની ઓળખ થાય તો યોગ્ય સારવાર સરળતાથી મળી રહે છે. તેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના નાગરિકોને પોતાના નજીકના આરોગ્ય કેન્દ્રમાં હાજરી આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
આ કેમ્પનો મુખ્ય હેતુ “સ્વસ્થ સમાજ – સ્વસ્થ જિલ્લો” નિર્માણ કરવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai