પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લાની શાળાકીય કબડ્ડી સ્પર્ધામાં શ્રી એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલય, કાંસાની ટીમોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ૨૫ ઓગસ્ટે પાટણના રમતગમત સંકુલ ખાતે યોજાયેલી U-17 ભાઈઓની સ્પર્ધામાં કાંસાની ટીમે સરસ્વતી તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ટીમે સિદ્ધપુર અને ચાણસ્માની ટીમોને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો અને ત્યારબાદ સાંતલપુરને પરાજિત કરી જિલ્લા વિજેતા બન્યા.
૨૬ ઓગસ્ટે U-19 બહેનોની ટીમે પણ નોંધપાત્ર રમત રજૂ કરી હતી. પ્રથમ રાઉન્ડમાં સાંતલપુરને હરાવ્યા બાદ ફાઇનલમાં ચાણસ્માની ટીમ સામે ૧૭ પોઇન્ટના મોટા અંતરથી વિજય મેળવ્યો હતો. આ સાથે બહેનોની ટીમ પણ જિલ્લા ચેમ્પિયન બની.
દુનિકી ટીમો હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. શાળાના સંચાલક કેશાજી એસ. ઠાકોર, આચાર્ય ડી.ડી. મોદી તેમજ સમગ્ર શિક્ષકવર્ગે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ