મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)ભાદરવા સુદ પૂનમ, તા. 07/09/2025ના રોજ આવનારા ચંદ્રગ્રહણને કારણે બહુચરાજી માતાના મંદિરના નિયમિત કાર્યક્રમોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર મંદિર સવારે 5:00 વાગ્યે ખુલશે. સવારે 6:30 કલાકે મંગળા આરતી અને સવારે 10:30 કલાકે રાજભોગ આરતી યોજાશે.
બપોરે 2:30 કલાકે માતાજીની સાંજની આરતી રાખવામાં આવશે. ત્યારબાદ સાંજે 4:00 થી 4:30 વાગ્યા સુધીમાં માતાજીની પાલખીની પૂજા કરવામાં આવશે. 4:30 વાગ્યે નિજ મંદિરથી માતાજીની પાલખી વિહાર માટે નીકળશે અને પરત ફર્યા બાદ દર્શન માટે મંદિર બંધ કરી દેવામાં આવશે.
ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને સાંજે 6:00 વાગ્યે મંદિર દર્શન બંધ રહેશે. બીજા દિવસે મંદિર ફરી નિયમિત નિત્યક્રમ મુજબ સવારે 5:00 વાગ્યે ખુલશે. ટ્રસ્ટ દ્વારા ભક્તોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સમય મુજબ દર્શન અને ધાર્મિક વિધિમાં સહભાગી બને.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR