પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લામાં ચાલી રહેલી આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી પ્રક્રિયા અંતર્ગત પ્રમાણપત્રોની માંગમાં ભારે વધારો જોવા મળ્યો છે. ઉમેદવારો માટે રહેઠાણનું પ્રમાણપત્ર ફરજિયાત હોવાથી મામલતદાર કચેરીઓમાં સવારથી જ લાંબી કતારો ઉભી થાય છે. જરૂરી દસ્તાવેજો જેવા કે આધારકાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિત આશરે 10 દસ્તાવેજોની સાથે અરજીઓ કરવામાં આવી રહી છે.
1 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર વચ્ચે સમગ્ર જિલ્લામાં કુલ 14,980 પ્રમાણપત્રો જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી 2.98 લાખ રૂપિયાની આવક થઈ છે. માત્ર પાટણ શહેરમાં જ 882 ઉમેદવારોને રહેઠાણના પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે, જ્યારે 730 ઉમેદવારોને આવકના દાખલા, 135ને પછાત વર્ગના પ્રમાણપત્રો અને 113ને આર્થિક રીતે નબળા વર્ગના પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે.
પાટણ શહેરની મામલતદાર કચેરીએ માત્ર 26 દિવસમાં કુલ 2,746 પ્રમાણપત્રો જારી કર્યા છે, જેના મારફતે 52,720 રૂપિયાની આવક નોંધાઈ છે. જોકે, કેટલાક સમયે સર્વર ડાઉન થવાના કારણે ઉમેદવારોને લાંબી રાહ જોવી પડે છે અને કામકાજમાં વિલંબ થાય છે, જેના કારણે અસંતોષ પણ જોવા મળે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ