દમણ, 27 ઓગસ્ટ (હિ.સ.)-સુરતના બારડોલી તાલુકાના મોતા ગામના રહેવાસી અજેશ રમેશભાઈ પટેલે કડૈયા પોલીસ મથકે દમણ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ સામે ગંભીર ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, 25મી ઓગસ્ટે અજેશ પટેલ પોતાના બે મિત્રો સાથે ઈનોવા કારમાં દમણ ફરવા અને પાર્ટી કરવા આવ્યા હતા. બપોરે કડૈયાની એક વાઈન શોપમાંથી દારૂ લઈ તેઓ વાસુકીનાથ મંદિર તરફ જતા હતા, ત્યારે 2થી 3 મોટરસાયકલ પર આવેલા લોકોએ તેમની કાર તપાસી. દારૂ મળ્યા બાદ તેઓએ પોતે પોલીસ વિભાગના હોવાનું કહી અજેશ અને તેના મિત્રોને પોલીસ મુખ્યાલય લઈ ગયા.
ત્યાં દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.25 લાખની માંગણી કરી. અંતે વાતચીત બાદ રૂ.10 લાખમાં સમાધાન થયું. બીજા દિવસે કોલેજ રોડ પર ફરિયાદીના મિત્રએ રૂ.7 લાખ રોકડા આપ્યા હતા. બાકીના રૂ.3 લાખની ચુકવણી માટે વકીલ મિત્ર સાથે વાત કરતા તેણે પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી, જેના આધારે આખરે ફરિયાદ નોંધાઈ.
પોલીસ તપાસમાં ખુલ્યું કે આ સમગ્ર કાવતરું ક્રાઈમ બ્રાન્ચના જ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચના 9 પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
FIRમાં નામનો ઉલ્લેખ:
જતીન પટેલ, અંકુશ સિંઘ, રામદેવસિંહ જાડેજા, વિશાલ મીર, વિકાસ રાજપૂત, કૃષ્ણ વિજય ગોહિલ, ધનજી દુબરિયા સહિત અન્ય એક અજાણ્યો વ્યક્તિ.
દમણના એસ.પી. કેતન બંસલે મીડિયાને જણાવ્યું કે, સંડોવાયેલા પોલીસકર્મીઓના નામ હાલ જાહેર કરી શકાશે નહીં, પરંતુ તપાસ ચાલુ છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે