જામનગર, 27 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના ઓશવાળ કોલોનીમાં રહેતા એક મહિલાને તેમના પુત્રને મારવાની સાસુએ ના પાડતા રીસાઈને રૂમમાં ચાલ્યા ગયેલા આ મહિલાએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. પોલીસે તેઓના પતિનું નિવેદન નોંધ્યું છે. જ્યારે રામેશ્વરનગર પાછળ શક્તિપાર્કમાં રહેતા એક અપરિણીત યુવતીએ અગમ્ય કારણથી ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે બંને બનાવની તપાસ શરૂ કરી છે.
જામનગરના ઓશવાળ કોલોની વિસ્તારની શેરી નં.રમાં રહેતા જીનેશભાઈ નેમચંદભાઈ હરિયા નામના કારખાનેદારના પત્ની ગ્રીષ્માબેન (ઉ.વ.૪૧)એ સોમવારની બપોર પછીથી મંગળવારની સવાર સુધીમાં પોતાના ઓરડામાં ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની ગઈકાલે સવારે પતિ જીનેશભાઈ સહિતના પરિવારને જાણ થઈ હતી. તેઓએ ગ્રીષ્માબેનને નીચે ઉતારી ચકાસતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. બનાવથી પોલીસને વાકેફ કરવામાં આવી છે. દોડી ગયેલી સિટી એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પતિ જીનેશભાઈનું નિવેદન નોંધ્યું છે.
તેઓએ જણાવ્યા મુજબ સોમવારે ગ્રીષ્માબેન પોતાના પુત્રને ખીજાયા પછી મારવા માંડ્યા હતા. તેથી જીનેશભાઈના માતાએ વહુને ઠપકો આપ્યો હતો. તેથી રીસાઈને પોતાના રૂમમાં ચાલ્યા ગયેલા ગ્રીષ્માબેને તે રૂમમાં જ ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે નિવેદન પરથી તપાસ શરૂ કરી છે.
જામનગરના રામેશ્વરનગર પાછળ શક્તિ પાર્ક સોસાયટીની શેરી નં.૧માં રહેતા ભૂમિબેન અરવિંદભાઈ મકવાણા (ઉ.વ.ર૧) નામના અપરિણીત યુવતીએ ગઈકાલે બપોરે પોતાના ઘરે એક ઓરડામાં રહેલા પંખામાં ચુંદડી વડે કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં ભૂમિબેનને નીચે ઉતારી સારવારમાં ખસેડવાની તજવીજ કરાઈ હતી પરંતુ તે પહેલાં આ યુવતીનું મૃત્યુ નિપજ્યું હતું. પરાગભાઈ યોગેન્દ્રભાઈ અજુડીયાએ પોલીસને જાણ કરી છે. પીએસઆઈ ડી.જી. રાજે પરાગભાઈનું નિવેદન નોંધી આ યુવતીની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt