પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરના નિર્મળ નગર માર્ગ પર તિરુપતિના પાછળના ભાગે નવા બોરવેલનું નિર્માણ થવાનો છે. પાટણ નગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટનો ખાતમુહૂર્ત ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં નગરપાલિકાના નગરસેવકો અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ બોરવેલ પ્રોજેક્ટમાં નવું પંપરૂમ અને પંપિંગ મશીનરી લગાવવામાં આવશે. 15માં નાણાપંચના વર્ષ 2022-23ના પ્રથમ હપ્તાની 25 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી આ કાર્ય ચલાવવામાં આવશે. હાઇવે વિસ્તારના રહેવાસીઓને પૂરતા દબાણથી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે.
રજનીભાઈ પટેલે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, નગરપાલિકા અને સરકાર દ્વારા સતત જનસુખાકારીના વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. આ બોરવેલથી વિસ્તારના લોકોના જીવનમાં સુધારો આવશે અને પાણીની ચાલતી સમસ્યાનો કાયમી ઉકેલ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ