પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય ઉજવણી થઈ રહી છે. મંગળવારે રાત્રે અને બુધવારે વહેલી સવારથી ભક્તોએ પોતાના ઘરોમાં શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી હતી. શહેરના મલ્હાર સોસાયટી, ભઠ્ઠીનો માઢ, પનાગરવાડો, નગરલીબડી, કસારવાડો, ઉંચીશેરી અને ધરતી સોસાયટી સહિતના વિસ્તારોમાં ઉજવણીના રંગ છવાઈ ગયા હતા. ચિંતામણી ગણપતિ મંદિરમાં સમૂહ નૈવેદ્ય અને આરતી કરવામાં આવી હતી, જયારે સિદ્ધિ વિનાયક મંદિરમાં મંગળા આરતી અને શણગાર આરતીના કાર્યક્રમો યોજાયા હતાં.
માટીની મૂર્તિઓની ખરીદી માટે ઓતિયા પરિવારની દુકાનો અને લારીઓ પર શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ભક્તો રીક્ષા, લારી, ઊંટ લારી, ટ્રેક્ટર અને બાઈક પર વાજતે-ગાજતે, અબીલ-ગુલાલ વચ્ચે મૂર્તિઓને ઘેર લઈ ગયા હતા. બજારમાં ₹50થી ₹3000 સુધીની કિંમતે ઇકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિઓનું વેચાણ થયું હતું. પર્યાવરણ પ્રત્યે જાગૃતિના કારણે મોટાભાગે લોકો માટીની મૂર્તિઓ ખરીદતા નજરે પડ્યા હતા.
પાટણ શહેરના વિવિધ મંદિરોમાં તેમજ પંડાલોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. પાલિકા બજાર સંકુલના વેપારીઓ અને યુવાનોએ 'રાજમહેલ કા રાજા' ગણપતિ માટે ડીજેના તાલે શોભાયાત્રા કાઢી હતી. મામલતદાર કચેરીના ગણેશ મંદિરમાં રજનીશભાઈ દરજીના યજમાનપદે હવન યોજાયો હતો. આ સાથે પંડાલ સજાવટની સામગ્રી, પ્રસાદી અને ફૂલોનું પણ ભારે પ્રમાણમાં વેચાણ થયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ