મહેસાણા, 27 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આ વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી રહી છે. શિર્ડીનગર વિસ્તારની સાંઈ બંગ્લોઝ સોસાયટીમાં ભવ્ય શોભાયાત્રા સાથે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી. આ શોભાયાત્રામાં નાના બાળકોથી લઈને વડીલો સુધી સર્વે એકસરખા પહેરવેશમાં જોડાયા હતા. વિધિપૂર્વક પૂજા-અર્ચના કરીને ગણપતિની સ્થાપના થતાં સમગ્ર વિસ્તારમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.
સોસાયટીના સભ્યોએ તહેવારની ઉજવણી દરમિયાન પર્યાવરણને નુકસાન ન થાય તે માટે સંદેશ આપ્યો. સૌએ સાથે મળીને આરતી કરી અને સુખ-શાંતિની પ્રાર્થના કરી. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓએ ધાર્મિક પરંપરા મુજબ ગણેશજીની શોભાયાત્રા કાઢી અને મૂર્તિ સ્થાપના વિધિવત રીતે કરી.
સાંઈ બંગ્લોઝ સોસાયટીમાં ગણપતિ મહોત્સવ પાંચ દિવસ સુધી ઉજવાશે. વસુધૈવ કુટુંબકમની ભાવના જીવંત રહે તે માટે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ખાસ કરીને બાળકો માટે વેશભૂષા સ્પર્ધા સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન દ્વારા વિસનગર શહેરમાં ભક્તિ સાથે પર્યાવરણ જાળવણીનો સંદેશ ગુંજી ઉઠ્યો
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR