પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)પાટણના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તહેવારો પૂર્વે શહેરીજનોને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુસર વારાહી ખાતે મીઠાઈની દુકાનોમાં વિશેષ તપાસ અભિયાન ચલાવાયું હતું. તંત્રે પાંચ મીઠાઈની દુકાનોમાં દરોડા પાડ્યા હતા અને શંકાસ્પદ ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ નાશ કર્યો હતો.
તપાસ દરમિયાન સાઈ સ્વીટ માર્ટમાંથી માવા બર્ફીના નમૂના લેવામાં આવ્યા હતા, જયારે રસ મધુર સ્વીટ માર્ટમાંથી માવાના નમૂના સાથે 40 કિલો માવાનો નાશ કરવામાં આવ્યો હતો. જય અંબે નાસ્તા હાઉસમાંથી મોહનથાળના નમૂનાઓ ઉપરાંત 10 કિલો ગાંઠિયા, 10 કિલો પાપડી અને 2 કિલો ખાંડની સિરપ નષ્ટ કરવામાં આવી હતી.
તદુપરાંત, રામદેવ સ્વીટ માર્ટ અને સાધારામ સ્વીટ માર્ટમાંથી પેંડાના નમૂનાઓ પણ લેવામાં આવ્યા હતા. તમામ નમૂનાઓને પ્રયોગશાળામાં મોકલી દેવામાં આવ્યા છે અને રિપોર્ટ આધારે કાયદેસર પગલાં લેવામાં આવશે. તંત્રએ જણાવ્યું કે આ અભિયાનનો ઉદ્દેશ માત્ર ચેકિંગ નહીં, પણ જનસામાન્યના આરોગ્યની રક્ષા કરવો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ