પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)પાટણના ભદ્ર વિસ્તારમાં આવેલી ગજાનનવાડી ખાતે 148મા ગણેશ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. આ મહોત્સવની શરૂઆત લોકમાન્ય તિલકના સમયથી થઈ હતી. એશિયાનો સૌથી પ્રાચીન ગણેશોત્સવ માનવામાં આવતો આ ઉત્સવ મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. પાટણથી શરૂ થયેલો આ ઉત્સવ હવે સમગ્ર દેશમાં વ્યાપી ગયો છે અને પાટણના મહારાષ્ટ્રીયન સમાજ માટે ગૌરવનું કારણ બની રહ્યો છે.
અનંતદેવધરના નિવાસસ્થાનેથી શ્રીજીની પાલખી યાત્રા નીકળી હતી, જે ઝીણીપોળ વિસ્તારમાંથી પસાર થઈ ગજાનનવાડી ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રાના આગમન સમયે મહારાષ્ટ્રીયન મહિલાઓ અને ભક્તોએ વિધિવત સ્વાગત કર્યું હતું. બાદમાં બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે શ્રીજીની માટીની મૂર્તિની સ્થાપના કરી હતી.
શ્રી ગજાનન મંડળીના સુનિલ પાગેદારના જણાવ્યા અનુસાર, દર વર્ષે કાળી માટીમાંથી એક જ કદ અને આકારની મૂર્તિ બનાવવામાં આવે છે. વિશેષતા એ છે કે વિસર્જન સમયે થોડી માટી રાખવામાં આવે છે, જેને આગલા વર્ષની મૂર્તિમાં સમાવવામાં આવે છે. આ રીતે, આજે સ્થાપિત થયેલી મૂર્તિમાં 148 વર્ષ જૂની મૂર્તિનો અંશ પણ અસ્તિત્વમાં છે. મહોત્સવ દરમિયાન ગણેશ ચતુર્થીથી લઈ અનંત ચતુર્દશી સુધી ઋષિ પંચમી, જ્યેષ્ઠા ગૌરી આહવાન, નવમી અને દશમી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ